કોરોના ની મહામારી વચ્ચે એક તરફ સરહદ ઉપર પાકિસ્તાન કઈક ને કઈક હરકત કરી રહ્યું છે તો વળી નોર્થ સિક્કીમના નાકુ લા સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવ વધ્યો હતો અને અથડામણ થઈ હોવાની ઘટના પ્રકાશ માંઆવી છે. આ જૂથ અથડામણ માં બન્ને દેશના સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે. સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બન્ને દેશના સૈનિકો વચ્ચે ખૂબ જ આક્રમક વલણ જોવા મળ્યું. જોકે,બાદ માં ઉપરી અધિકારીઓ ની દરમિયાનગીરી બાદ મામલો શાંત પડ્યો હતો.
આ ઘટના મુગુથાંગની આગળ નાકુ લા સેક્ટરમાં ગતરોજ શનિવારે બની હતી. આ વિસ્તાર પાંચ હજાર મીટરની ઉંચાઈ પર છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે બન્ને દેશ ના સૈનિકો સામસામે આવી જતા થયેલી મારામારી માં ચાર ભારતીય સૈનિક અને સાત ચાઈનીઝ સૈનિકને ઈજા પહોંચી છે. આ ઝપાઝપીમાં બન્ને દેશના લગભગ 150 સૈનિકો સામસામે આવી ગયા હતા. બીજી તરફ સુરક્ષાદળો નું કહેવું છે કે સીમા વિવાદને લઈ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અહીં અવારનવાર ઝગડા થતા રહે છે. જોકે, આ વખતે આ ઘટના ઘણા લાંબા સમય પછી બની છે.
આ વિસ્તારમાં બંને દેશના સૈનિકો પેટ્રોલિંગ માં હોય છે ત્યારે સીમા ભંગ થતા બન્ને દેશના સૈનિકો સામસામે આવી જાય છે અને પથ્થરમારો કે મારામારી ઉપર ઉતરી જાય છે.આ અગાઉ પણ આવી ઘટનાઓ બની ચુકી છે.
