લદ્દાખમાં ચીન ની દાદાગીરી સામે નહિ ઝુકવા ભારત હવે કટિબદ્ધ બન્યું છે અને ચાઈના એ 10,000 જવાનો ખડકી દેતા ભારત એલર્ટ થઈ ગયુ છે અને હવે ભારત ચીનને દરેક રીતે પાઠ ભણાવવાની તૈયારી કરી રહ્યું છે. સેના, વાયુસેના અને નેવીને હાઈ એલર્ટ કરી દેવાયા છે. વાયુસેના એ યુદ્ધ વિમાનોને ફૉરવર્ડ બેઝ પર તૈનાત કરી દીધા છે આ બધા વચ્ચે વાયુસેનાનાં ચીફ આરકેએસ ભદૌરિયાએ લેહ અને શ્રીનગર એરબેઝ ની મુલાકાતે આવતા તેને ચીનને મોટા સંકેત આપવા તરીકે જોવામાં આવી રહ્યું છે. અહીંથી લદ્દાખમાં તાત્કાલિક કોઈપણ ઑપરેશનને મોટો અંજામ આપી શકાય તેવી શકયતા જોવાઇ રહી છે.
પૂર્વ લદ્દાખ વિસ્તારમાં કોઈપણ પ્રકારનાં ઑપરેશન માટે બંને એરબેઝ ઘણા મહત્વનાં છે. ભદૌરિયા ની અહીંની મૂલાકાત સૂચક માનવામાં આવી રહી છે. કેમકે ગલવાન ખીણમાં ચીની સૈનિકો ના હુમલા માં 20 ભારતીય સૈનિકો શહીદ થયા બાદ ત્રણેય સેનાનાં ચીફે વર્તમાન સ્થિતિનું નીરિક્ષણ કર્યું હતુ. આ બેઠકનાં કેટલાક દિવસ બાદ ભદૌરિયા આ વિસ્તારમાં આવ્યા છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે એરફોર્સ ચીફ બે દિવસનાં પ્રવાસે આવ્યા હતા અને ઑપરેશનલ નીરિક્ષણ કર્યું. હાલ ચીન લદ્દાખ સરહદ પર સતત ભારતીય જવાનો ને લલકારી ઉશ્કેરણી કરી રહ્યું છે અને તેણે અહીં 10 હજાર સૈનિકોને ગોઠવી ભારત ઉપર દબાણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે. એરચીફે 17 જૂન ના રોજ લેહ માં સ્થિતિ જોયા બાદ તેઓ શ્રીનગર એરબેઝ 18 જૂનનાં ગયા હતા આ બંને એરબેઝ પૂર્વ લદ્દાખ વિસ્તારની નજીક છે અને કોઇપણ યુદ્ધ વિમાન માટે અહીં ઉડાન ભરવી સરળ છે .
ચીન ઉપર વળતો હુમલો કરવા વાયુસેનાએ સુખોઈ 30MKI, મિરાજ 2000 અને જગુઆર યુદ્ધ વિમાનોને ફ્રંટલાઇન પર તૈયાર રાખવામાં આવ્યા છે, હવે આ વિમાનો શૉર્ટ નોટિસ પર ઑપરેશનને ગમેત્યારે અંજામ આપી શકે છે. ભારતીય સેનાને પૂર્વ લદ્દાખ સેક્ટરમાં સપોર્ટ માટે અમેરિકી અપાચે હેલીકોપ્ટર પણ નજીકમાં તૈનાત કરવામાં આવ્યા છે. ચિનૂક હેલીકોપ્ટરને પણ લેહ એરબેઝ નજીક તૈનાત કરવામાં આવ્યા છે. MI-17v75 હેલીકોપ્ટરને જરૂરી સામાન ઉઠાવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આમ સરહદ ઉપર હવે ભારતે પણ ચીન સામે બાથ ભીડવા પૂરતી તૈયારી કરી લીધી છે અને માત્ર સેના માત્ર આદેશ ની રાહ જોઇ રહી છે સરહદ ઉપર ભારતીય ફોજ માં દેશપ્રેમ નો જુવાળ ઉભો થઇ રહ્યો છે અને માભોમ ઉપર નજર નાખનાર દગાબાજ ચીન ની સેના એ દગા થી 20 ભારતીય જવાનો ના જીવ લઈ લેતા ચીનાઓ ને યુદ્ધ મોરચે દાંત ખાટા કરવા સેના માં જુસ્સો જોવા મળી રહ્યો છે.
