સરહદ ઉપર ભારત સાથે શાંતિ વાર્તા જારી રાખીને ઓચિંતો હુમલો કરવાની ચીન ની મેલી મુરાદ હવે સ્પષ્ટ થઈ રહી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે અને તે રણનીતિ બદલી રહ્યું છે તેથીજ માત્ર લદાખ જ નહીં પણ ચાઈના ની તમામ બોર્ડર ઉપર ભારતે સેના ને એલર્ટ મોડ ઉપર રહેવા સૂચના આપી છે , બે દિવસ પહેલા ચીન પોતાના સૈનિકો ને લઈ 2 કિમી પીછેહટ કરી હોવાના અહેવાલ બાદ ફરી ચાઈના એ સરહદે અચાનક હિલચાલ વધારતા ભારત એલર્ટ થઈ ગયું છે.
હિમાચલના સરહદી વિસ્તારોમાં ઇન્ફન્ટ્રીના ત્રણ ડિવિઝન અને તંગદિલી પ્રવર્તી રહી છે તેવા વિસ્તારમાં વધારાની ત્રણ બ્રિગેડ મોકલવામાં આવી છે. તાજેતરમાં જ વેસ્ટર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આર.પી.સિંહે આ વિસ્તારોની અગ્રિમ ચોકીઓની મુલાકાત લીધી હતી. તેમણે વર્તમાન સ્થિતિની સમીક્ષા કરીને આગળ પર કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે સૈન્યને સાબદું રહેવા સૂચના આપી હતી. ઉત્તરાખંડના ગઢવાલ અને કુમાઉંના સરહદી વિસ્તારોમાં પણ ભારતીય સૈન્યની હિલચાલ વધી ગઈ છે.
ઉત્તરાખંડના ફોરવર્ડ સેક્ટરમાં સૈન્યની મદદ માટે ચિન્યાલિસોરમાં વાયુસેના એલર્ટ મોડ ઉપર છે. સરહદે બારાહાતી વિસ્તારમાં ચીની સૈન્ય સતત પોતાના હેલિકોપ્ટર્સ મોકલી રહી છે. તેને કારણે બંને સૈન્ય વચ્ચે તંગદિલી વધી ગઈ છે. ગઢવાલ સેક્ટરમાં ભારતની અંતિમ ચોકીથી માત્ર 30 કિ.મી.ના અંતરે જ ચીને પોતાનું મોટું સૈન્ય મથક ઊભું કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સિક્કિમમાં પણ ચીનને સ્પર્શતી સરહદે ભારત મોટી સંખ્યામાં સેના તૈનાત કરી ચૂક્યું છે. અહીંના નાકુલા સેક્ટરમાં પણ ચીની હિલચાલ વધી છે.
કોઈપણ સ્થિતિને પહોંચી વળવા અરુણાચલ પ્રદેશના પૂર્વ સેક્ટરમાં પણ ભારતે માઉન્ટેન સ્ટ્રાઇક કોરની તૈનાતી કરી દીધી છે. કોઈ કારણ વગર અહીં પણ ચીન પોતાનું સૈન્ય ખડકી રહ્યું છે. તેથી ભારતે પણ સૈન્ય ખડકી દીધું છે, સ્થિતિ વણસે તો સૈન્યે સુકનાની 33 કોર, તેજપુરની 4 કોર અને 17 માઉન્ટેન સ્ટ્રાઇક કોરને એલર્ટ રહેવા જણાવ્યું છે.
નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે કહ્યું હતું કે, નૌકાદળની તૈયારીઓમાં કોઈ જ કમી આવી નથી. અમારા એરક્રાફ્ટ કેરિયર, સબમરી, યુદ્ધ વિમાનો ગમે ત્યારે હુમલા માટે તૈયાર છે.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત અને ચીન પુર્વ લદ્દાખ મતભેદ અંગે શાંતિપુર્ણ સમાધાન માટે વાતચીત ચાલુ છે. સાપ્તાહિક મીડિયા બ્રિંફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સરહદી વિસ્તારમાં શાંતિ માટે બંને દેશો બંને દેશના નેતાઓએ પુરી પાડેલી ગાઇડલાઇન મુજબ પ્રશ્નનો ઉકેલ લાવવા સહમત થયા છે. જોકે તેમણે ગલવાન ખીણ પ્રદેશ સહિતના વિસ્તારમાંથી ભારત અને ચીને સૈન્ય પાછળ બોલાવ્યા અંગેના અહેવાલ વિષે ટીપ્પણી આપવા તેમણે ઇનકાર કર્યો હતો. આમ સરહદ ઉપર સ્થિતિ તંગદિલી ભરી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે. અને ચીન વારંવાર નિવેદનો બદલી સૈનિકો તૈનાત કરી રહ્યું છે ત્યારે તેની ઉપર ભરોસો મૂકી શકાય તેમ નથી.
