ભારતમાં કૃષિ કાયદા મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલન નો પડઘો હવે દેશ ની સરહદો ઓળંગી ને વિદેશ સુધી પડ્યો છે અને મૂળ ભારતીય અને વિદેશ માં સ્થાયી થયેલા સમુદાય દ્વારા ખેડૂત આંદોલન ને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળી રહ્યું છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પણ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું હવે બ્રિટનના ૩૬ જેટલા સાંસદો દ્વારા ભારત ના ખેડૂતોને સમર્થન જાહેર કરાયું છે, મૂળ ભારતીય અને લંડનમાં શીખોની વસતી ધરાવતા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારા ૩૬ જેટલા સાંસદો દ્વારા બ્રિટનના ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબને પત્ર લખવામાં આવ્યો હતો. સાંસદોએ પત્રમાં જણાવ્યું હતું કે, ખેડૂતોનો મુદ્દો ખૂબ જ ગંભીર છે અને બ્રિટન સરકારે આ મુદ્દે તાકીદે ભારત સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરી ન્યાય ની તરફેણ કરવી જોઈએ.
લેબર સાંસદ તનમનજિતસિંહ ઢેસીએ તમામ ૩૬ સાંસદો વતી ડોમિનિક રાબનો સમય માગ્યો હતો જેથી આ મુદ્દે ચર્ચા કરી શકાય. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શિંગલા જ્યારે લંડનની મુલાકાતે આવવાના છે ત્યારે બ્રિટન દ્વારા તેમની સમક્ષ ખેડૂતોનો મુદ્દો ઉઠાવવામાં આવે. જેરેમી કોર્બિન, વિરેન્દ્ર શર્મા, સીમા મલ્હોત્રા, વલેરી વાઝ, નાદિયા વ્હિટોમ, પીટર બોટમલી, જ્હોન મેકડોનેલ, માર્ટિન ડોકેર્ટી-હ્યુસ અને એલિસન થ્યુલિસ સહિતના સાંસદોએ આ પત્ર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. પત્રમાં સહી કરનારા સાંસદોએ જણાવ્યું હતું કે, ઘણા લોકોની ભારતમાં જમીનો છે અને વતન છે. ત્યાં વસતા પરિવારોને આ કાયદાથી મુશ્કેલી આવી રહી છે. લેબર જૂથના એમપી પ્રીત કૌર ગીલે તાજેતરમાં દિલ્હીના આંદોલનની એક તસવીર વિશે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, નાગરિકોની સાથે આવો વ્યવહાર અયોગ્ય છે.
વિદેશમાં વસતા ભારતીય સમુદાયો અને મૂળ ખેડૂત પરિવારો દ્વારા પણ ભારતના કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ કેનેડાના વાનકુવરમાં ભારતીય ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં પણ મૂળ ભારતીયો આ મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે હવે ખેડૂત આંદોલન નો મુદ્દો વિશ્વવ્યાપી બનતા ભારત સરકાર માં આ મુદ્દો પેચીદો બન્યો છે અને યોગ્ય નિર્ણય તરફ વિચારણા થઈ રહી છે.