ક્રિકેટની દુનિયામાં પાકિસ્તાન અને ભારત વચ્ચે જ્યારે જ્યારે ક્રિકેટ મેચ હોય ત્યારે તે દુનિયાભરમાં એક રોમાંચક મુકાબલો બની જાય છે કારણ કે દુનિયાભરમાં ભારતીયો અને પાકિસ્તાનીઓ છવાયેલા છે તેથી ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ખુબજ રોમાંચક ગણાય છે.
દરમિયાન દુબઇ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આવતીકાલે રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ છે ત્યારે 25 હજાર ટિકિટો વેચાઈ ગઈ છે. મોટી સંખ્યામાં ભારતીય અને પાકિસ્તાની દર્શકો પણ દુબઇ પહોંચી ગયા છે.
દુબઇ અને શારજાહની હોટલો ફૂલ થઈ ગઈ છે.
દુબઈમાં ભારત અને પાકિસ્તાનના લોકોને આકર્ષવા માટે ઠેરઠેર બાર અને રેસ્ટોરાંમાં મોટા મોટા સ્ક્રીન સેટ લગાવી દેવામાં આવ્યા છે.
જે લોકો સ્ટેડિયમમાં ન જઇ શકતા હોય તેવા લોકો માટે દુબઈના રેસ્ટોરાંમાં ભોજન લેતા લેતા મેચ નો આનંદ લેવા અનેક ઓફર આપી રહ્યાં છે.
દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય અહીં અઠવાડિક રજાઓ જાહેર કરવામાં આવી છે, શુક્રવારે 12 વાગ્યાથી રવિવાર સુધી ઓફિસોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
કર્મચારીઓએ પોતાના સહકર્મીઓ સાથે ભારત-પાક. મેચ જોવા માટે રવિવારે બાર-રેસ્ટોરાં બુક કરાવી લીધાં છે. અનેક જગ્યાએ તો ઢોલ-નગારાંની વ્યવસ્થા કરાઇ છે. દુબઈમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. એશિયા કપની 13માંથી 9 મેચ અહીં રમાશે. શનિવારે શ્રીલંકા અને અફઘાનિસ્તાનની મેચ સાથે 16 દિવસ ચાલનારી ટુર્નામેન્ટની શરૂઆત થશે પણ અસલી દીવાનગી ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાનાર ક્રિકેટ મેચની છે. આશરે 40 લાખ ભારતીયો અને પાકિસ્તાની યુએઈને પોતાનું બીજું ઘર કહે છે.
શારજહાં-દુબઈની હોટલ તથા રેસ્ટોરાં અનેક ઓફર બહાર પાડી રહી છે. અમુક હોટલોએ તો એશિયા કપ માટે પ્લેટર લોન્ચ કરી દીધા છે,મેચવાળા દિવસે એશિયા કપ પ્લેટર અને ડિશ સહિત એક જ પ્લેટમાં ભારતીય વ્યંજનો સાથે પાકિસ્તાની ફૂડનું પણ મિશ્રણ પણ મળશે.
લખનઉના કબાબ, પાકિસ્તાની ખીર, પેશાવરી ચીકન, માલાબારના પરાઠા સાથે શાકાહારી વ્યંજનો પણ પીરસાઈ રહ્યાં છે,કર્મચારીઓને ફ્રી ટિકિટ આપાઈ, સ્ક્રીન પર મેચની વ્યવસ્થા પણ કરાઈ
એશિયા કપની પહેલી મેચની ટિકિટસ ત્રણ કલાકમાં વેચાઈ ગઈ હતી. બાકી ટિકિટોની પણ આવી જ સ્થિતિ રહી. ડેન્યૂબ સમૂહે પોતાની કંપનીના બ્લૂ કૉલર કર્મચારીઓને એશિયા કપની ટિકિટો આપી હતી.
આમ દુબઈ માં ભારે ઉત્સાહ અને ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.