કોરોના વેક્સિન લીધી હોય તેવા કેટલાક લોકોમા સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે પરંતુ આવા મોટા ભાગના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી રહી. આવા લોકો પર વાયરસનો ખાસ કોઈ પ્રભાવ નથી જણાઈ રહ્યો. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વેક્સિનના પ્રભાવથી શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધુ રહે છે. આ કારણે વેક્સિન લીધી હોય તેમનામાં અન્ય દર્દીઓની સરખામણીએ ઓછા લક્ષણો જોવા મળે છે અને તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય છે.
દિલ્હીમાં અનેક એવા સંક્રમિતો છે જેમણે કોરોના વેક્સિનના બે અથવા સિંગલ ડોઝ લીધેલો છે. પરંતુ તફાવત એ છે કે, વેક્સિન ન લીધી હોય તેવા લોકોએ વધુ મુશ્કેલી વેઠવી પડે છે. તેઓ વધુ દિવસ સુધી સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થઈ શકે છે. પરંતુ જેમણે વેક્સિનનો એક અથવા બંને ડોઝ લઈ લીધા છે તેઓ અન્ય સંક્રમિતોની સરખામણીએ જલ્દી સાજા થઈ રહ્યા છે.
સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન વિભાગના અધ્યક્ષ ડૉક્ટર જુગલ કિશોરના કહેવા પ્રમાણે વેક્સિન વિશે પહેલેથી જ કહી દેવામાં આવ્યું હતું કે, એવું જરૂરી નથી કે તેને લગાવ્યા બાદ લોકો સંક્રમિત નહીં થાય, પરંતુ સંપૂર્ણ વેક્સિનેટેડ થયા બાદ જે લોકો સંક્રમિત થઈ પણ રહ્યા છે તેમનામાં કોરોનાના ખૂબ જ હળવા લક્ષણો છે.