ભારત -ચીન વચ્ચે પૂર્વ લદાખમાં એલએસી પર ચાલી રહેલા તણાવ વચ્ચે સોમવારે ભારત-ચીન વચ્ચે સાતમી વાર કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. ભારતના ચુશુલમાં આયોજિત આ બેઠક આશરે 12 કલાક ચાલી હતી. ત્યાર પછી બંને દેશે સંયુક્ત નિવેદનમાં વાતચીતને સકારાત્મક અને રચનાત્મક ગણાવી હતી.
સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતીય સેનાએ છઠ્ઠી બેઠકમાં પાછળ હટવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ મુદ્દે ખેંચતાણ પછી ચીને જૂના મુદ્દા રદ કરીને 10 સૂત્રીય પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં પાંચ મુદ્દા જૂના છે, જ્યારે પાંચ નવી માંગ છે. આ નવા મુદ્દા વિશે બેમાંથી કોઈ દેશે માહિતી આપી ન હતી. આ બેઠકમાં ભારત તરફથી 14 કોરના ચીફ લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ અને લેફ્ટનન્ટ જનરલ પીજીકે મેનને ભાગ લીધો હતો, જેમણે આ મંગળવારે જ 14 કોરનું સુકાન સંભાળ્યું છે. હવે આ પ્રસ્તાવ મુદ્દે ભારતની સર્વોચ્ચ સુરક્ષા સમિતિ આખરી નિર્ણય લેશે એમ સૂત્રો એ જણાવ્યું હતું આમ હાલ ની સ્થિતિ માં બન્ને પક્ષે સકારાત્મક વાતાવરણ ઉભું થયું છે અને ભારત પણ પોતાની માંગ સાથે અડગ રહેતા ચીન નું વલણ કુણું પડ્યું છે.
