ન્યુયોર્કઃ દેશ અને દુનિયામાં કોરોના વાયરસ નામની જીવલેમ બિમારીએ હાહાકાર મચાવી રહ્યો છે અને લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. વાયરસનું સંક્રમણ છે કે નહીં તે જાણવા માટે દુનિયામાં દરરોજ કરોડો લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. હવે એક નવા સંશોધન મુજબ ટૂંક સમયમાં સ્માર્ટફોનથી જ કોરોના ટેસ્ટિંગ થઇ શકશે અને 30 મિનિટમાં જ ટેસ્ટનો રિપોર્ટ પ્રાપ્ત થઇ જશે.
વર્ષ 2020નું નોબેલ પારિતોષિક મેળવનારા મહિલા વિજ્ઞાની જેનિફર ડૌડનાએ વધુ એક મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. સેલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દાવો થયો હતો કે ટૂંક સમયમાં સ્માર્ટફોનની મદદથી કોરોનાનું ટેસ્ટિંગ થઈ શકશે. ૩૦ જ મિનિટમાં રીઝલ્ટ આવી જશે.
કેમેસ્ટ્રી માટે ૨૦૨૦નો નોબેલ મેળવનારા વિજ્ઞાની જેનિફર અને તેમની ટીમે એવી ટેકનિક વિકસાવી છે, જેનાથી મોબાઈલના આધારે જ કોરોનાનું રિઝલ્ટ મેળવી શકાશે. ડીએનએ અને આરએનએના સ્કેનિંગની પદ્ધતિથી આ જાણકારી મળશે. સંશોધકોના કહેવા પ્રમાણે સ્માર્ટફોનની ઈન્ટેલિજન્સ આર્ટિફિશ્યલની મદદથી કેમેરા સ્કેનિંગ થશે અને તેના આધારે માત્ર પોઝિટિવ નેગેટિવ જ નહીં, પરંતુ વાયરસનું કેન્દ્ર તીવ્રતા પણ જાણી શકાશે.
નવી પદ્ધતિ પ્રમાણે વાયરસ શરીરમાં છે કે નહીં તે જાણવા માટે સીધા આરએનએ પર આધાર રખાશે. સીઆરઆઈએસપીઆર એટલે કે ડીએનએના અમુક હિસ્સાન સ્કેન કરીને સ્માર્ટફોન એ જાણી લેશે કે શરીરમાં વાયરસની હાજરી છે કે નહીં.
અમેરિકાની ગ્લેન્ડસ્ટોન ઈન્સ્ટિટયૂટના સંશોધકોએ નોબેલ પ્રાઈઝ વિજેતા જેનિફર ડૌડનાના માર્ગદર્શનમાં આ ટેકનિક વિકસાવી છે. તેમણે કહ્યું હતું કે જ્યાં મર્યાદિત સંખ્યામાં જ ટેસ્ટ થઈ રહ્યા છે ત્યાં આ ટેકનિક ખૂબ જ કારગત નીવડશે. જોકે, આ ટેકનિક એપ બેઝ્ડ હશે કે બીજી કોઈ પદ્ધતિથી કામ કરશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.