દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા નેશનલ પાર્ક ક્રૂગરમાંથી એક સાથે ૧૪ સિંહો ભાગી ગયા છે. પરિણામે ક્રૂગર જંગલ આસપાસના વિસ્તારોમાં ભય ફેલાયો છે. ક્રૂગર નેશનલ પાર્ક દક્ષિણ આફ્રિકાના ઉત્તર છેડે લિમ્પોપો રાજ્યમાં આવેલું છે.૧૯,૪૮૫ ચોરસ કિલોમીટરનો કદાવર વિસ્તાર ધરાવતો આ નેશનલ પાર્ક દોઢ હજારથી વધારે સિંહ ધરાવે છે. એમાંથી ઘણી વખત સિંહો બહાર નીકળીને માનવ વસાહત તરફ ચાલી નીકળતા હોય છે. પરંતુ આ અત્યાર સુધીનો સૌથી મોટો બનાવ છે. અગાઉ ક્યારેય એક સાથે ૧૪ સિંહ બહાર નીકળ્યા નથી.

ગીરમાં નિયમિત રીતે સિંહો બહાર નીકળીને ગ્રામ્ય વિસ્તારોમાં ફરતાં હોય છે. એટલે આપણા માટે સિંહો જંગલની બહાર નીકળે એ નવાઈની વાત નથી. પરંતુ આફ્રિકાના સિંહો આક્રમક સ્વભાવ ધરાવે છે. માટે લિમ્પોપો રાજ્યના સત્તાધિશોએ નાગરિકોને સાવધાન રહેવા સૂચના આપી છે.

જોકે સિંહ ભાગી છૂટયાના ખબર મળ્યા પછી હેલિકોપ્ટર સહિતના સંશાધનો કામે લગાડીને તેમની તપાસ શરૂ કરવામાં આવી હતી. એ દરમિયાન કેટલાક સિંહો પાર્કથી આઠેક કિલોમીટર દૂર જોવા મળ્યા હતા. હવે તેમને પરત પાર્ક તરફ લઈ આવવાનો પ્રયાસ ચાલે છે. સિંહોને કાબુમાં લેવા માટે ટ્રાક્વિલાઈઝર ગન સહિતની સામગ્રી લઈને અનેક રેન્જર જંગલ ખૂંદવા નીકળી પડયા છે.
આફ્રિકી સિંહના નિષ્ણાતોનો મત એવો છે કે આ સિંહોને પરત પાર્કમાં મુકવાનો પ્લાન છે એ સફળ થશે નહીં. કેમ કે આ સિંહો પોતાનો સ્વતંત્ર જંગલ વિસ્તાર ઉભો કરી શકાય એટલા માટે ભાગ્યા હોય. એમને પરત લાવીને પાર્કમાં મુકવામાં આવે તો પણ ભાગી જશે. ક્રૂગર કે અન્ય કોઈ નેશનલ પાર્ક એ બંધિયાર જંગલ નથી હોતા માટે તેમને ફરતે ફેન્સિંગ કે એવી કોઈ સિસ્ટમ પણ નથી હોતી.

ક્રૂગર પાર્ક સાથે ત્રણ દિવસમાં બનેલી આ બીજી દૂર્ઘટના છે. બે દિવસ પહલા જ પાર્કમાંથી બહાર નીકળેલા દીપડાએ નાના બાળકનો શિકાર કર્યો હતો. આફ્રિકામાં વર્ષે સરેરાશ ૨૫૦ લોકોના જીવ સિંહ-દીપડાના શિકારને કારણે જાય છે.