ઇંડોનેશિયાની રાજધાની જકાર્તામાં ભીષણ પૂરના લીધે નવા વર્ષનો ઉત્સાહ દુખમાં ફેરવાઈ ગયો છે. ભારે વરસાદ અને નદીઓના સ્તરમાં થઈ રહેલા વધારાના લીધે અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા છે અને હજારો લોકોએ સ્થળાંતરણ કરવું પડયું છે.
જકાર્તામાં ભારે પૂરના કારણે 23 લોકો મૃત્યુ પામ્યા છે અને ભારે વરસાદના લીધે દુકાનો અને ઘરોમાં પાણી ભરાવાથી હજારો લોકોએ વિસ્થાપન કરવું પડયું છે. નેશનલ ડિઝાસ્ટર રિડક્શન એજન્સીના પ્રવક્તાએ ભારે વરસાદ અને નદીઓના સ્તરમાં વધારો થવાથી 169 વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હોવાની માહિતી આપી હતી. આ ઉપરાંત જકાર્તાના બાહ્ય જિલ્લાઓ બોગોર અને દીપોકમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ હતી. પૂરના કારણે હજારો ઘર અને ઈમારતો પાણીમાં ડૂબી ગયા હતા અને વીજ-પાણીના પુરવઠા પણ રોકવા પડયા હતા.
પૂરના વીડિયોમાં અનેક ગાડીઓ પાણીમાં તરતી જોવા મળી રહી છે. અમુક વિસ્તારમાં આઠ ફૂટ જેટલું પૂરનું પાણી ફેલાઈ જવાથી 31,000થી પણ વધારે લોકોએ અસ્થાયી આશ્રયગૃહોમાં શરણાગતિ મેળવવી પડી છે. આ ઉપરાંત જકાર્તાના હલીમ પેરડાનાકુસ્માહ વિમાની મથકમાં રનવે ડૂબી જવાથી તેને બંધ કરી દેવામાં આવ્યું છે. પૂર્વીય અને દક્ષિણ જકાર્તાની સ્થિતિ સૌથી ખરાબ છે અને હેલિકોપ્ટર વડે હવાઈ સર્વેક્ષણ બાદ અનેક ગામો ખાલી કરાવવામાં આવ્યા છે.