કચ્છમાં જખૌની આંતરરાષ્ટ્રીય જળસરહદ પાસેથી ૩૦૦ કરોડ રુપિયાના હેરોઈન સાથે આઠ પાકિસ્તાની શખ્સો ઝડપાયા છે. અબડાસા તાલુકાના જખૌ દરિયાઈ વિસ્તાર નજીક બાતમીના આધારે ગુજરાત એ.ટી.એસ અને ભારતીય કોસ્ટ ગાર્ડૅ સંયુક્ત ઓપરેશનમાં મંગળવારે રાત્રે આશરે ૧૨.૪૫ વાગ્યાના અરસામાં શંકાસ્પદ બોટને પકડી પાડી હતી.બોટમાં માછીમારોના સ્વાંગમાં રહેલાં પાકિસ્તાની શખ્સોએ ભાગવાની કોશિશ કરી હતી પરંતુ સતર્ક સુરક્ષા એજન્સીઓએ તેમને ઝડપી લીધા હતા. બોટમાંથી ૩૦ કિલો જેટલો હેરોઈનનો જથ્થો મળ્યો છે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ૩૦૦ કરોડ જેટલી થવા જાય છે. કચ્છના જખૌ નજીક એક કિલોનું એક એવા હેરોઈનના ૩૦ પેકેટ્સ ઉતારીને ગુજરાતના માર્ગે પંજાબ મોકલવાના હતા.ગુજરાત એ.ટી.એસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અબડાસા તાલુકાના જખૌ બંદરે આશરે ૩૦૦ કરોડના હેરોઈન સાથે ૮ પાકિસ્તાની શખ્સોને ઝડપી પાડયા છે. માછીમારોના સ્વાંગમાં મધરાતે કચ્છ નજીક આવેલી આંતરરાષ્ટ્રીય જળસીમાથી ભારતીય જળસીમામાં પ્રવેશતાં જ આ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. ગુરૂવારે કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે કચ્છની જખૌ દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટ હોવાની હકીકત મળતા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાઈ વિસ્તારમાં પસાર થતી શંકાસ્પદ બોટને કોસ્ટગાર્ડના જવાનો અને એટીએસની ટીમે કોર્ડન કરીને ચેકીંગ કરતા તેમાંથી આઠ પાકિસ્તાની નાગરિકો સવાર હતા તેમજ ૩૦ કિલો હેરોઈનનો જથ્થો મળી આવતા તેઓની ઉલટ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રગ્સની કિંમત ૩૦૦ કરોડ આંકવામાં આવી રહી છે. એક-એક કિલોનું એક એવા હેરોઈનના કુલ ૩૦ પેકેટ્સ બોટમાં છૂપાવવામાં આવ્યાં હતાં. માછીમારી કરવા માટે નીકળ્યા હોવાનો સ્વાંગ રચી આવેલા આઠ પાકિસ્તાની શખ્સોની સઘન પૂછપરછ ભૂજ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં હાથ ધરાઈ છે. ગુજરાત અને દેશની જુદી જુદી એજન્સીઓ ડ્રગ્સની હેરાફેરીના કેસમાં ઊંડી તપાસ કરશે. જખૌના દરિયાઈ વિસ્તારમાં હેરોઈનનો જથ્થો ઝડપાયો છે ત્યારે જુદી જુદી એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરંભસિંઘના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર કેસમાં જીણવટભરી તપાસ શરૂ કરાઈ છે. હાલ જે શખ્સો ઝડપાયા છે તે અહીં કોના કહેવાથી આવ્યા છે તે સહિતની વિગતો તપાસવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આ કેસમાં વધુ હકીકતો પ્રકાશમાં આવશે.