થાઇલેન્ડમાં નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. તેના હેઠળ લોકો પોતાનાં ઘરમાં પણ ધૂમ્રપાન કરી શકશે નહીં. જે લોકો ઘરમાં સિગારેટ પીતા પકડાશે તેમને જેલની સજા થશે. આ સાથે ધૂમ્રપાન કરનાર પર ઘરેલુ હિંસાના કેસ પણ ચાલશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, દર વર્ષે ધ્રૂમપાન કરવાથી અંદાજે 6 લાખ લોકોના મોત થાય છે. તેમાંથી 60% બાળકો હોય છે, જેઓ સિગારેટ અને સિગારના ધુમાડાની ઝપેટમાં આવવાથી પોતાનો જીવ ગુમાવે છે.
ઘરમાં રહેતાં બાળકો અને પરિવારના લોકોની આરોગ્યની સંભાળ રાખવા માટે થાઇલેન્ડ સરકારે આ નિર્ણય લીધો છે. ફેમિલી પ્રોટેક્શન એન્ડ ડેવલપમેન્ટ પ્રમોશન એક્ટ હેઠળ આ કાયદો બુધવારે લાગુ કરવામાં આવ્યો છે.
પરિવારના સભ્યોની તબિયત ખરાબ થાય છે
બેન્ગકોકમાં યોજાયેલ ટોબેકો એન્ડ લંગ હેલ્થ કોન્ફરન્સમાં વુમન્સ અફેયર્સ એન્ડ ફેમિલી ડેવલપમેન્ટના ચીફ લેર્ટપાન્યા બૂરાનાબંડિતના જણાવ્યા અનુસાર, પરિવારના કોઈપણ સભ્યની સેકન્ડ અથવા થર્ડ હેન્ડ સ્મોકથી હેલ્થ ખરાબ થાય તો ધૂમ્રપાન કરનારી વ્યક્તિ પર કેસ કરવામાં આવશે. ધૂમ્રપાનનો આ કેસ ક્રિમિનલ કોર્ટ અને સેન્ટ્રલ જુવેનાઈલ એન્ડ ફેમિલી કોર્ટમાં ચાલશે.
પરિવારના કારણે 10 લાખ લોકોને વ્યસન થાય છે
નિષ્ણાતોનું માનવું છે કે, ભાવનાત્મક અને શારીરિક હિંસાના કારણે ધૂમ્રપાનની લત પડે છે. એક સર્વેમાં જાણવા મળ્યું કે, 49 લાખ ઘરોમાં કોઈને કોઈ તો ધૂમ્રપાન કરતું હોય છે. 10.3 લાખ લોકોના પરિવારને ઘરમાં સ્મોકિંગ કરતા સભ્યોના કારણે આગળ જતા ધૂમ્રપાનની લત લાગે છે. રિપોર્ટ અનુસાર, થાઈલેન્ડમાં અલગ-અલગ સેન્ટર્સમાં ધૂમ્રપાનના કેસ જોવા મળ્યા છે. પહેલાં પોલીસ પૂરી રીતે તપાસ કરશે. ત્યારબાદ કેસની કાર્યવાહી કરવામાં આવશે.