સાઉથ અમેરિકાના કોલમ્બિયામાં 104 વર્ષીય કેર્મેન હરનાન્ડિઝે બીજીવાર કોરોના હરાવ્યો છે. વ્હીલચેર પર બેસીને તેઓ જ્યારે હોસ્પિટલમાંથી રજા લઇ રહ્યા હતા ત્યારે હોસ્પિટલના સ્ટાફે તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. કેર્મેન પ્રથમવાર જૂન મહિનામાં કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. એ સમયે સાજા થઇ ગયા પછી 8 માર્ચે ફરીથી કોરોના પોઝિટિવ આવ્યા હતા. બીજીવાર હોસ્પિટલ એડમિટ થયા એ પહેલાં તેમણે વેક્સિન લીધી હતી. કેર્મેન 21 દિવસ સુધી કોરોના સામે લડતા રહ્યા પણ ક્યારેય તેમની હિંમત ઓછી ના થઇ. તેમનો જુસ્સો જોઇને હોસ્પિટલનો સ્ટાફ પણ ખુશ થઇ ગયો હતો. હાલ કોરોના સામે લડી રહેલા દર્દીઓ માટે આ દાદીમા પ્રેરણા સમાન છે. આની પહેલાં જાન્યુઆરી મહિનામાં 109 વર્ષીય હિલ્ડા બ્રાઉન પણ તેમના 110મા બર્થડે પહેલાં કોરોના હરાવી આપી ઘરે આવ્યા હતા. 108 વર્ષીય એના ડેલ પ્રિઓર સ્પેનિશ ફ્લૂ વખતે પણ લડ્યા અને એ પછી કોરોનાની જંગ પણ જીતી ગયા.
