વિશ્વમાં એક એવી જગ્યા પણ છે કે જ્યાં દરેક વ્યક્તિએ રહેવા માટે પહેલા તેના શરીરના કોઈ ભાગને કાઢી નાખવો પડે છે અથવા કાપી નાખવો પડે છે. જો કોઈ વ્યક્તિ આવું કરવાની ના પાડે છે તો તેને ત્યાં રહેવાની મંજૂરી આપવામાં નથી આવતી, પછી ભલે તે કોઈપણ હોદ્દા પર હોય. આ નિયમ વિસ્તારમાં કોઈ કાયદાકીય શરત જેવો છે જેને પૂર્ણ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ બરફની પહાડીઓથી ઘેરાયેલા એન્ટાર્કટિકાના ગામ વિલાસ લાસ એસ્ટ્રેલાસની. આ ગામમાં લાંબા સમય સુધી રહેતા લોકો માટે શરત હોય છે કે તેમને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પડશે. આ નિયમ બનાવવા પાછળ એક મોટી મજબૂરી છે કે નજીકમાં કોઈ હોસ્પિટલ નથી. અહીંની સૌથી નજીકની હોસ્પિટલ કિંગ જ્યોર્જ આઈસલેન્ડ છે જે ગામથી લગભગ 1000 કિલોમીટર દૂર છે. આ હોસ્પિટલ સુધી પહોંચવા માટે બરફથી ઢંકાયેલા પહાડ અને જોખમી રસ્તા પરથી પસાર થવું પડે છે. અહીં માત્ર ગણ્યાગાંઠ્યા ડૉક્ટર જ છે, જેમાં કોઈપણ સર્જન નથી. આવી સ્થિતિમાં જો કોઈને એપેન્ડિક્સનો દુખાવો થાય છે તો તેના જીવનું જોખમ રહે છે. તેથી આ નિયમ બનાવવામાં આવ્યો છે. ગામમાં ચિલીની સેના, વૈજ્ઞાનિક અને ડૉક્ટર રોટેશન પર આવતા રહે છે. તેમને ઘણાં વર્ષો સુધી આર્મી બેસમાં રહેવાનું હોય છે, જેના કારણે પરિવાર તેમની સાથે આવે છે. આવી સ્થિતિમાં, સાવચેતી રાખવામાં આવે છે કે આવનાર લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય અને કોઈપણ પ્રકારની ઈમર્જન્સી જેવી પરિસ્થિતિ ન સર્જાઈ. તેના કારણે તેમની પણ એપેન્ડિક્સ કાઢી દેવામાં આવે છે. એટલું જ નહીં પરિવારની સાથે રહેતા વૈજ્ઞાનિકો અને મિલિટ્રી બેસના લોકોને સલાહ આપવામાં આવે છે કે પરિવારની મહિલાઓ ગર્ભવતી ન થવી જોઈએ, કેમ કે આવી સ્થિતિમાં મેડિકલ સુવિધાનો અભાવ જોખમી સાબિત થઈ શકે છે. જો કે તેના પર કોઈ લેખિત આદેશ નથી.
