વેસ્ટ ઈન્ડિઝ ટાપુ સમુહના સેન્ટ વિન્સેન્ટ ટાપુ પર ઘણા દિવસથી લા શોફરેર જ્વાળામુખી ભભૂકી રહ્યો છે. સેન્ટ વિન્સેન્ટ નાનકડો ટાપુ હોવાથી જ્વાળામુખીની વિપરિત અસર સમગ્ર ટાપુ પર જોવા મળી રહી છે. પાણી કે બરફનો વરસાદ વરસે એમ અહીંના ગામ પર રાખનો વરસાદ વરસ્યો છે અને ફીટના હિસાબે રાખના ધર જામી ગયા છે.લોકોને પડતી આ મુશ્કેલી વચ્ચે સારી વાત એ છે કે રાખ સાથે સોનુ પણ વરસી રહ્યું છે. રાખ સાથે સોનાના કણો-ગઠ્ઠા હોવાની વાત ખુદ અહીંના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર મોન્ટગોમરી ડેનિયલે કરી હતી. ડેનિયલે કહ્યું હતું કે એ વાત સાચી છે કે રાખ સાથે સોનાના કણો પણ મળ્યાં છે.
જ્વાળામુખીની રાખ સાથે સોનાના કણો વરસે એ અચરજ પ્રેરક વાત છે, પણ વિજ્ઞાનીઓને તેની કોઈ નવાઈ નથી. કેમ કે ધરતીના પેટાળમાં રહેલી ધાતુઓ જ્વાળામુખી વખતે બહાર ફેંકાતી હોય છે. ભૂતકાળમાં પણ આ રીતે જ્વાળામુખીની રાખ-ધૂળ સાથે સોનુ-હીરા બહાર ફેંકાયાના પ્રસંગો બન્યા છે. કેટલુ સોનુ બહાર ફેંકાયુ, ક્યાં ફેંકાયુ તેની વધારે વિગતો ડેનિયલે ગુપ્ત રાખી હતી. જેથી લોકો ત્યાં ઉમટી ન પડે. પણ ડેનિયલે કહ્યું હતું કે સોનાની શુદ્ધતા તપાસવા અને અન્ય કામગીરી માટે જરૃર પડ્યે આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો બોલાવાશે.
અત્યારે તો જો કે સેન્ટ વિન્સેન્ટ ટાપુની મોટી સમસ્યા રાખના ઢગલા છે. જ્વાળામુખી સાથે ફેંકાતી રાખ હવામાં હજારો ફીટ ઊંચે જતી હોય છે. એ રાખ અસપાસમાં ફેલાય ત્યાં લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય કેમ કે તેમાં અતિ ઝેરી સલ્ફર વાયુ હોય છે. વળી ફ્રેન્ચ ભાષામાં શોફરેરનો અર્થ જ સલ્ફર થાય છે. આ જ્વાળામુખી મહત્તમ સલ્ફર વાયુ ઓકવા માટે બદનામ છે. રાખ-પથ્થરના વરસાદને કારણે અનેક મકાનો તૂટી ગયા છે. કેટલાક સ્થળોએ રાખનો થર આઠ ઈંચ સુધીનો મપાયો છે. જ્વાળામુખીની રાખ જેટલો વધુ સમય હવામાં રહે એટલો સમય સૂર્યના કિરણોને ધરતી પર આવતા રોકે અને ધરતી પર તાપમાનમાં પણ તેનાથી વધારો થાય. વિજ્ઞાનીઓના કહેવા પ્રમાણે જ્વાળામુખી આસાનીથી શાંત થવાનો નથી. મહિનાઓ સુધી સક્રિય રહેશે. તેના કારણે ટાપુનો ત્રીજો ભાગ રહેવા લાયક રહ્યો નથી. ટાપુ પર અંદાજે 1 લાખ રહેવાસી છે, જેમાંથી 20 હજારને તો કામચલાઉ શિબિરોમાં ખસેડાયા છે.