આ દુનિયામાં દરેક ક્ષણે કોઈને કોઈ ચમત્કાર થતા રહે છે. ઘણામાં આપણે સાક્ષી હોઈએ છીએ તો ઘણા આપણને સાંભળવા મળે છે. અમેરિકામાં એક મહિલાએ પ્લેનમાં ટ્રાવેલ દરમિયાન 30 હજાર ફૂટ ઉંચાઈએ બાળકને જન્મ આપ્યો છે. આ કેસમાં સૌથી નવાઈની વાત એ છે કે, મહિલાને ખબર નહોતી કે તે પ્રેગ્નન્ટ છે. બાળકના જન્મના સાક્ષી પ્લેનના પ્રવાસીઓ પણ આ જોઇને આશ્ચર્ચચકિત થઈ ગયા હતા.લેવિનિયા મોંગા સોલ્ટ સિટી લેકથી પ્લેનમાં હવાઈના હોનોલુલુ શહેર જઈ રહી રહી હતી. હવાઈમાં રહેતા તેના પરિવારને મળવા માટે તે એકલી ટ્રાવેલ કરી રહી હતી. શનિવારે લેવિનિયાએ સોશિયલ મીડિયા પર શુભેચ્છકોનો આભાર માન્યો હતો. લેવિનિયા અને તેનો પતિ ઈથન આ સરપ્રાઈઝ બેબી બોયનું વેલકમ કરી ઘણો ખુશ છે. તેમણે દીકરાનું નામ રેમન્ડ રાખ્યું છે.લેવિનિયાને લેબર પેન ઉપડતા પ્લેનનાં સ્ટાફે તેની સેફ ડિલિવરી કરી અને એરક્રાફ્ટ લેન્ડ ના થયું ત્યાં સુધી મા-દીકરાનું ધ્યાન રાખ્યું. લેવિનિયાનો પતિ દીકરાના જન્મ સમયે પ્લેનમાં હાજર નહોતો પણ તેણે આ સમગ્ર ઘટના મામલે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. ઇથને લખ્યું, આ એક ચમત્કાર છે. અમારી લાઈફમાં રેમન્ડ આવ્યો છે. મને આશા છે કે હું બેસ્ટ ડેડી બનીશ. બેબીના જન્મ સમયે સ્ટાફે કરેલી મદદનો હું આભારી છું. અમારી જિંદગી કાયમ માટે બદલાઈ ગઈ છે. અમારો પરિવાર મોટો બની ગયો છે. મારી વાઈફ લેવિનિયાનો આભારી છું, જેણે આ સુંદર ગિફ્ટ આપી. જલ્દી તમને બંનેને મળીશ.
