અમેરિકાના ટેક્સાસમાં વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગ થયું છે, જેમાં 20 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 26 લોકો ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ હુમલાખોર એકથી વધુ હોય શકે છે. ફાયરિંગની ઘટના બાદ પોલીસે તપાસ અભિયાન શરૂ કર્યું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ત્રણ સંદિગ્ધોની અટકાયત કરવામાં આવી છે.26 ઘાયલ
ટેક્સાસના લેફટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે આ ઘટનામાં 20 લોકોના મોતની પુષ્ટી કરી છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગ્યે ઘટી છે. અમેરિકાના વોલમાર્ટ સ્ટોરમાં એક સપ્તાહમાં બીજી વખત ફાયરિંગ થયું છે. ગત સપ્તાહે કેલિફોર્નિયાના ગિલરોયમાં ફાયરિંગ થયું હતું જેમાં 3 લોકો માર્યા ગયા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર ટ્વિટ કરી, ટેક્સાસમાં ભયાનક ફાયરિંગ હોવાનું જણાવ્યું છે. સાથે જ તેઓએ કહ્યું કે રિપોર્ટ ઘણો જ ખરાબ છે અનેક લોકો માર્યા ગયા છે. રાજ્ય અને સ્થાનિક અધિકારીઓની સાથે કામ કરી રહ્યો છું. ગવર્નર સાથે પણ વાત કરી છે અને પૂરેપૂરી મદદ મળશે તેવો વિશ્વાસ અપાવું છું.