Asim Munir: યુએસ આર્મી ડેમાં આમંત્રણ: આસીમ મુનીર અને અમેરિકન પ્રમુખ વચ્ચે આતંકવાદ મુદ્દે થઈ શકે છે ચર્ચા
Asim Munir: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને યુનાઈટેડ સ્ટેટ્સે 14 જૂને યોજાનાર 250મો યુએસ આર્મી ડે ઉજવણમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુનીર 12 જૂનના રોજ વોશિંગ્ટન ડીસી પહોંચી શકે છે અને તેમના પ્રવાસ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પણ શક્ય છે.
મુલાકાતમાં આતંકવાદ મુદ્દે ચર્ચા શક્ય
વિદેશી મીડિયાના અહેવાલો મુજબ, આ મુલાકાત દરમિયાન અમેરિકા પાકિસ્તાન તરફથી આતંકવાદના મુદ્દે ખાસ કરીને ભારત અને અફઘાનિસ્તાન સામે સક્રિય આતંકવાદી સંગઠનો પર કડક કાર્યવાહી કરવા માટે દબાણ કરી શકે છે. વોશિંગ્ટન સ્થિત પાકિસ્તાની દૂતાવાસના સૂત્રોએ જણાવ્યું કે આમંત્રણ ખાસ આર્મી ડે ઉજવણી માટે આપાયું છે, પરંતુ આ મુલાકાતનું વ્યાપક રાજકીય અને સુરક્ષા મહત્વ હોઈ શકે છે.
ઓપરેશન સિંદૂર બાદની પરિસ્થિતિ
ગયા મહિને ભારતે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાની સીમામાં આવેલા અનેક આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ભારત તરફથી જણાવવામાં આવ્યું કે આ કાર્યવાહી 22 એપ્રિલના પહેલગામ હુમલાનો પ્રતિસાદ હતી, જેમાં પાકિસ્તાન આધારિત આતંકી સંગઠનો સંડોવાયેલા હતા.
6-7 મેની રાત્રે શરૂ થયેલા આ ઓપરેશનમાં ભારતે 9થી વધુ આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે લઘુકાલીન પણ તીવ્ર લડાઈ થઈ હતી, જે 10 મેના રોજ યુદ્ધવિરામ સાથે પૂર્ણ થઈ.
ટ્રમ્પની ભુમિકા પર વિવાદ
યુદ્ધવિરામ બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી વાતચીતમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. જોકે, ભારત સરકારે સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધવિરામ બંને દેશોની આપસી સંમતિથી થયો હતો અને કોઈ તૃતીય પક્ષની સીધી ભૂમિકા નહોતી.
સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાન તરફથી ભારતને બે વાર યુદ્ધવિરામ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો — પ્રથમ 7 મેના રોજ અને બીજવાર 10 મેના રોજ DGMO સ્તરે, જે બાદ યુદ્ધવિરામ પર સહમતિ બની.