Bangladesh:રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લેવા ભીડ એકઠી થઈ, પોલીસે લાઠીનો ઉપયોગ કર્યો, ટીયર ગેસના શેલ છોડ્યા; 5 ઘાયલ
Bangladesh માં ફરી એકવાર પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને હટાવવાની માંગ કરી રહ્યા છે. વિરોધીઓએ ગઈકાલે રાત્રે રાષ્ટ્રપતિ ભવન બંગભવનને ઘેરી લીધું અને રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના રાજીનામાની માંગણી શરૂ કરી. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા, ત્યારબાદ પોલીસે બેરિકેડ લગાવીને તેમને અટકાવ્યા.
પોલીસની કડક કાર્યવાહી
જ્યારે દેખાવકારોએ બેરિકેડ્સને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમને રોકવા માટે લાઠીચાર્જ કર્યો હતો. વિરોધ માટે એકઠા થયેલા ટોળાને હિંસક બનતા જોઈને પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. પોલીસનું કહેવું છે કે દેખાવકારોએ પણ પથ્થરમારો કર્યો હતો અને બંગભવન પાસે ગુલિસ્તાન રોડને બ્લોક કરી દીધો હતો. બાંગ્લાદેશી મીડિયા પાસેથી મળેલી માહિતી અનુસાર, પોલીસ કાર્યવાહીમાં પાંચ દેખાવકારો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ કારણથી શરૂ થયું પ્રદર્શન
વાસ્તવમાં, તાજેતરમાં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને એક નિવેદન આપ્યું હતું. પ્રમુખ શહાબુદ્દીને કહ્યું હતું કે તેમની પાસે એવા કોઈ દસ્તાવેજ નથી જે સાબિત કરી શકે કે શેખ હસીનાએ 5 ઓગસ્ટે બાંગ્લાદેશ છોડતા પહેલા વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્રપતિના આ નિવેદન બાદ હવે બાંગ્લાદેશમાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું બંધારણીય રીતે શેખ હસીના હજુ પણ બાંગ્લાદેશના પીએમ છે. આ નિવેદન સામે ફરી એકવાર વિરોધ શરૂ થયો છે અને વિરોધીઓ રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે.