સ્વામિનારાયણ સંસ્થા BAPSનું કહેવું છે કે કોરોના વાયરસનાં વધતા જતા સંક્રમણ અને સ્થાનીય લોકો, પ્રવાસીઓ અને વૉલંટિયર્સનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા આ મહત્વનો નિર્ણય કર્યો છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તરફથી COVID-19 ને મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસથી વિશ્વભરમાં 5 હજારથી વધારે લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. જ્યારે 1,34,000થી વધુ લોકો આનાંથી સંક્રમિત છે. ત્યારે કોરોના વાયરસને લઇને બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) એ જણાવ્યું કે, અમેરિકા, કેનેડા, યૂરોપ અને ઓસ્ટ્રેલિયાનાં મંદિરો પહેલેથી જ બંધ કરી દેવાયાં છે. જ્યારે ભારત અને આફ્રીકાનાં સ્વામિનારાયણ મંદિર એક સપ્તાહની અંદર બંધ કરી દેવામાં આવશે. સ્વામિનારાયણ સંસ્થાનાં અમેરિકામાં અંદાજે 100 જેટલાં મંદિરો છે.
BAPSએ એક મીડયા રિલીઝમાં જણાવ્યું કે, ભીડને રોકવા માટે સમગ્ર વિશ્વનાં BAPS મંદિરોને બંધ કરવામાં આવશે પરંતુ હરિભક્તોને ધ્યાનમાં રાખીને તેમની માટે એક ખાસ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. ભક્તોને તમામ મંદિરોની વેબસાઇટને આધારે દરરોજનાં દર્શન કરાવવામાં આવશે. BAPSનું કહેવું છે કે વિશ્વભરનાં ભક્તોને સાથે-સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ આપતા રહેવું જરૂરી છે. સંસ્થાનું કહેવું છે કે જે શહેરોમાં તેમનાં મંદિરો છે ત્યાંનાં સ્થાનીય અધિકારીઓની સાથે રાખીને આ કામ કરવામાં આવી રહ્યું છે. બીજી અનેક મુશ્કેલીઓની જેમ આ મહામારી સામે પણ લડવા માટે સંસ્થા સ્થાનીય રીતે સહયોગ કરશે અને પોતાની સંપૂર્ણ ભૂમિકા પણ ભજવશે. આ સિવાય સંસ્થા સત્સંગનાં આયોજનો માટે પણ બીજા આઇડીયા વિચારી રહી છે.