માઈક્રોસોફ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , બિલ ગેટ્સે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ જણાવ્યું કે, બિલ વધારે સમય લોકોની ભલાઈ માટે ફાળવવા માંગે છે. માઈક્રોસોફ્ટ તરફથી જણાવાયુ છે કે, ગેટ્સ વૈશ્વિક સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે વધારે કામ કરવા માંગે છે. આ માટે તેઓ ડિરેક્ટરની જવાબદારીમાંથી મુક્ત થઈ રહ્યાં છે. જો કે તેઓ માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા સાથે સલાહકાર તરીકે કામ કરતા રહેશે.
આ અંગે માઈક્રોસોફ્ટે જણાવ્યું કે, કંપનીના સંસ્થાપક અને ટેક્નિકલ સલાહકાર બિલ ગેટ્સ હવે વધારે સમય શિક્ષણ, સ્વાસ્થ્ય અને વૈશ્વિક વિકાસને આપવા માંગે છે. તેઓ જળવાયુ પરિવર્તન પર પણ કામ કરવા ઈચ્છે છે. આથી તેઓ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પદેથી રાજીનામું આપી રહ્યાં છે. ગેટ્સે 1975માં પૉલ અલેન સાથે મળીને આ કંપની ઉભી કરી હતી અને વર્ષ 2000 સુધી તેઓ માઈક્રોસોફ્ટના CEO રહ્યા હતા.
ગેટ્સના રાજીનામાં બાદ કંપનીના બોર્ડમાં 12 સભ્યો બચ્યા છે. જેમાં માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા પણ સામેલ છે. નડેલાએ જણાવ્યું કે, બિલ ગેટ્સ સાથે કામ કરવું ગૌરવની વાત છે. ગેટ્સે આ કંપનીની સ્થાપના સોફ્ટવેરના માધ્યમથી લોકોની પરેશાની દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે કરી હતી. માઈક્રોસોફ્ટ તેમના લક્ષ્યને પૂર્ણ કરવા માટે કામ કરતી રહેશે.