BioNTech-Pfizer એ પોતાની કોવિડ-19 વેક્સિન 12થી 15 વર્ષ સુધીના બાળકો પર 100 ટકા પ્રભાવિત હોવાનો દાવો કર્યો છે. કંપની, આગામી સ્કૂલ સેશનના પહેલાં બાળકો માટે ટીકાકરણની મંજૂરીની પરવાનગી મળવાની આશા લગાવીને બેઠી છે. કંપની તરફથી બુધવારના રોજ જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, ‘ફેઝ-3નો ટ્રાયલ અમેરિકામાં 2,260 બાળકો પર કરવામાં આવ્યો હતો અને તે 100 ટકા પ્રભાવિત સાબિત થયો અને તેનાથી મજબૂત એન્ટીબોડી રિસ્પોન્સ પણ જોવા મળ્યો. અમેરિકામાં એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનના ફેઝ-3ના ટ્રાયલનો ડેટા થોડાં દિવસ પહેલાં સામે આવ્યો હતો, જેમાં તેને 79થી 100 ટકા સુધી પ્રભાવિત માનવામાં આવ્યો હતો. સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા (SII) એ સોમવારના રોજ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનના ફેઝ-3ના ટ્રાયલનો ડેટા દર્શાવે છે કે, લક્ષણવાળી બીમારી વિરૂદ્ધ તે 79 ટકા પ્રભાવિત છે જ્યારે ગંભીર રોગ અને હોસ્પિટલાઇઝેશન વિરૂદ્ધ 100 ટકા પ્રભાવી છે.’ ઉલ્લેખનીય છે કે, વિશ્વની સૌથી મોટી વેક્સિન કંપની SII ભારતમાં આ વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે.
