યુરોપીયન યુનિયને જર્મન દેશની ચાર દિગ્ગજ કાર ઉત્પાદકો કંપનીઓને એક અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે. આ એમિશન-કંટ્રોલ સિસ્ટમ્સના વિકાસને મર્યાદિત કરવાનું કાવતરું ઘડવા બદલ તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે. દંડિત કરાયેલી આ કંપનીઓમાં ડેઈમલેર, બીએમડબલ્યુ, ફોક્સવેગન, ઑડી અને પોર્શે નો સમાવેશ થાય છે. તેમણે પેટ્રોલ અને ડીઝલ પેસેન્જર કાર્સમાંથી પ્રદૂષણને નિયંત્રિત કરતી ટેક્નોલોજી પર સ્પર્ધા કરવાનું ટાળ્યું હોવાનું ઈયુના એક્ઝિક્યુટિવ કમિશને જણાવ્યું હતું. ડેમલેરે યુરોપીયન કમિશન સમક્ષ આ કાવતરું ઉઘાડું પાડયું હોવાથી તેને દંડ કરાયો નહોતો.
યુરોપીયન કમિશને ભાવ નિશ્ચિત કરવા જેવી પરંપરાગત પદ્ધતિથી અલગ ટેકનિકલ ડેવલપમેન્ટનો ઉપયોગ અટકાવી રાખવાનું કાવતરું ઘડવા બદલ સૌપ્રથમ વખત ઓટો કંપનીઓને દંડ ફટકાર્યો હતો. ઈયુ એન્ટીટ્રસ્ટના ચીફ માર્ગરેથે વેસ્ટાગરે જણાવ્યું હતું કે, કાર કંપનીઓ પાસે કાયદાકીય મર્યાદા કરતાં પણ પ્રદૂષણ ઓછું કરવા માટેની ટેક્નોલોજી હતી. આમ છતાં તેમણે ઓછી પ્રદૂષિત કાર ખરીદવા ગ્રાહકોને તક આપી નહીં.
કાર ઉત્પાદકોએ ઈરાદાપૂર્વક પ્રદૂષણ ઓછું કરતી ટેક્નોલોજીમાં સ્પર્ધા ટાળી હતી. આ કાર ઉત્પાદકો પ્રદૂષણ ઘટાડવા માટેના યુરોપીયન યુનિયનના માપદંડો કરતાં પણ વધુ સારી ટેક્નોલોજી ધરાવતા હતા. ટેક્નોલોજી ઉપલબ્ધ હોવા છતાં તેમણે ગ્રાહકોને તેનો લાભ આપ્યો નહીં. તેમની આ કાર્યપદ્ધતિ ગેરકાયદે છે.