China: ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ચીનની ગુપ્ત ઍન્ટ્રી? ટ્રાન્સપોન્ડર બંધ કરી પહોંચ્યા 3 ચીની કાર્ગો વિમાનો, શસ્ત્રો મોકલવાના દાવાઓ
China મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ વચ્ચે હવે એક નવા અને ચોંકાવનારા ઘટસ્ફોટથી ચીનની ભૂમિકા પર સવાલ ઊભા થયા છે. તાજેતરમાં ત્રણ ચીની કાર્ગો વિમાનો ટ્રાન્સપોન્ડર અને સંકેત ઉપકરણો બંધ કરી ચુપચાપ ઈરાન પહોંચ્યા હોવાના અહેવાલ છે, જેને લઈ અટકળો તેજ થઈ છે કે ચીન ઈરાનને શસ્ત્રો કે વ્યૂહાત્મક સહાયતા પહોંચાડી રહ્યું છે.
વિમાનોની શંકાસ્પદ હિલચાલ:
14 જૂન 2025થી, કમસે કમ પાંચ બોઈંગ 747 કાર્ગો વિમાનો ચીનના ઉત્તરીય વિસ્તારમાંથી ઈરાન સુધી પહોંચ્યા હતા. આ વિમાનોના રૂટમાં લક્ઝમબર્ગ દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ તેઓ યુરોપિયન હવાઈ ક્ષેત્રમાં દાખલ થયા જ નહોતા. બદલે, તેઓ મધ્ય એશિયાઈ દેશો થઈને ઈરાનની નજીક પહોંચ્યા, જ્યાં ટ્રાન્સપોન્ડર બંધ કરીને વિમાન રડાર પરથી ગાયબ થઈ ગયાં.
વિમાનોમાં શું હતું, એ રહસ્ય હજુ અજ્ઞાત:
હવે સૌથી મોટો સવાલ એ છે કે આ વિમાનોમાં શું સામગ્રી લઈ જવામાં આવી હતી? સામગ્રી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર તેમાં શસ્ત્રો, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અથવા તકનીકી સાધનો હોવાની શક્યતાઓ ધ્યાનમાં લેવાઈ રહી છે.
ચીન અને ઈરાન વચ્ચે ગાઢ સહયોગ:
2021માં ચીન અને ઈરાન વચ્ચે 25 વર્ષના વ્યૂહાત્મક સહયોગના કરારમાં હસ્તાક્ષર થયા હતા. તેની શરતો હેઠળ ચીને ઈરાનમાં $400 બિલિયનનું રોકાણ કરવાનું અને બદલે સસ્તું તેલ મેળવવાનું નક્કી થયું હતું. કરારમાં લશ્કરી ટેકનોલોજી, ઈન્ટેલિજન્સ શેરિંગ અને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસનો પણ સમાવેશ થાય છે.
જિયોપોલિટિકલ અસરો:
ઈઝરાયલ-ઈરાન સંઘર્ષમાં અમેરિકાની સંડોવણીને લઈને પણ ચિંતાઓ વધી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ પ્યુટિન તરફથી સીધી ચેતવણી આપવામાં આવી છે કે જો અમેરિકા યુદ્ધમાં પ્રવેશ કરશે, તો રશિયા અને ચીન ઈરાનના પક્ષે ઊભા રહેશે.
આ ઘટનાઓથી સ્પષ્ટ છે કે ઈરાન-ઈઝરાયલ ટકરાવ હવે માત્ર બે દેશોની વચ્ચે ન રહીને વૈશ્વિક સ્તરે વિસ્તરી રહ્યો છે, જેમાં ચીનની સંભવિત સીધી ભૂમિકા વધુ તણાવ ઉભો કરી શકે છે.