ચીનના પાટનગર બેઈજિંગમાં છેલ્લા 10 વર્ષનો સૌથી ખતરનાક સેન્ડ સ્ટ્રોમ આવ્યું છે. આજે એટલે કે 15 માર્ચ 2021ના રોજ આવેલા આ વાવાઝોડાના કારણે સમગ્ર બેઈજિંગ શહેર પીળા રંગથી ઢંકાઈ ગયું છે. ઘણાં વિસ્તારોમાં લાઈટ્સ ચાલુ કરવી પડી છે. રસ્તાઓ પર પણ લોકોએ હેડલાઈટ્સ ચાલુ કરીને વાહન ચલાવવા પડ્યાં છે. લોકોએ મોઢા પર માસ્ક પહેરીલીધા છે અને ચહેરો ઢાંકી લીધો છે. બેઈજિંગમાં વાયુનું ગુણવત્તા સ્તર 1000ને પાર થઈ ગયું છે. જેને ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ સૌથી ઘાતક ગણાવ્યું છે. 400થી વધારે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ ધૂળનું વાવાઝોડું મંગોલિયાથી શરૂ થયું છે.
બેઈજિંગ આસપાસ યલો એલર્ટ જાહેર કરાયું
બેઈજિંગમાં સોમવારે લોકોને ઘરમાં અને રસ્તાઓ પર લાઈટો ચાલુ કરવી પડી હતી. કારણકે આખા શહેરમાં ગાઢ પીળા અને ભૂરા રંગનું ધૂળ ભરેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડું મંગોલિયા અને ચીનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં વરસાદ થયા પછી શરૂ થયું હતું. ચાઈના મેટરોલોજિકલ એડ્મિનિસ્ટ્રેશને સોમવારે બેઈજિંગની આસપાસના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું હતું. આ સેન્ડ સ્ટ્રોમ મંગોલિયાના અંતરિયાળ વિસ્તારથી શરૂ થઈને ગાંસૂ, શાંસી અને હેબેઈ સુધી ફેલાયું છે. પાટનગર બેઈજિંગ આ શહેરોથી ઘેરાયેલું છે.
કામ વગર બહાર ન નીકળવું: પ્રશાસન
ચીનનું સૌથી પ્રખ્યાત સ્ટીલનું પ્રોડક્શન કરતું શહેર તાંગશાન અને બેઈજિંગના હેબેઈમાં ઉદ્યોગ વાયુ પ્રદુષણનો મુખ્ય સ્ત્રોત છે. તેના કારણે ચીનમાં ઘણીવાર ઈમરજન્સી એન્ટી-સ્મોગ અભિયાન ચલાવવું પડે છે. બેઈજિંગ પ્રશાસને લોકોને કહ્યું છે કે, તેમને જરૂર પડે તો જ બહાર નીકળે અને તબિયત ખરાબ થાય તો તુરંત નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો.