Chinmoy Krishna Das Bail બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય દાસને જામીન, પાંચ મહિનાની જેલ બાદ રાહત
Chinmoy Krishna Das Bail બાંગ્લાદેશના જાણીતા હિન્દુ સંત અને ઇસ્કોન પૂજારી ચિન્મય કૃષ્ણ દાસને પાંચ મહિના બાદ હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. ચિન્મય દાસ પર દેશદ્રોહ સહિત રાષ્ટ્રધ્વજના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમને ગયા વર્ષે ૨૫ નવેમ્બરે ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ચિત્તાગોંગની કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કરવામાં આવ્યા હતા.
ચિન્મય દાસ બાંગ્લાદેશ સમિક સનાતની જાગરણ જોતના પ્રવક્તા પણ છે. તેમની ધરપકડના કેટલાક દિવસો અગાઉ ચિત્તાગોંગના બીએનપીના પૂર્વ મહાસચિવ ફિરોઝ ખાને કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમને કથિત રીતે દેશના રાષ્ટ્રધ્વજનો અપમાન કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ નીચલી અદાલતે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી, જેને પગલે તેમણે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી. ૨૩ એપ્રિલે, તેમના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યએ હાઈકોર્ટમાં રજૂઆત કરી કે ચિન્મય દાસ હાલ તંદુરસ્તી સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને તેમને સુનાવણી વિના જેલમાં રાખવામાં આવી રહ્યા છે, જે યોગ્ય નથી.
હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ મોહમ્મદ અતૌર રહેમાન અને મોહમ્મદ અલી રઝાની બેન્ચે સુનાવણી બાદ જામીન મંજૂર કર્યા. વકીલ પ્રોલાદ દેબ નાથે જણાવ્યું કે જો સુપ્રીમ કોર્ટ આ ચુકાદા પર સ્ટે નહીં આપે, તો ચિન્મય દાસને જલ્દી જ જેલમાંથી મુક્ત કરવામાં આવશે.
આ મુદ્દે બાંગ્લાદેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા જાગી છે, કારણ કે ચિન્મય દાસ હિન્દુ સમુદાયના જાણીતા પ્રતિનિધિ છે અને તેમના સાથે કથિત રીતે થયેલ અન્યાયને લઈને હિંદુ સંગઠનોમાં રોષ છે.