બ્રિટન ખાતે G-૭ની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ડેલિગેશનના બે સભ્યો કોરોના સંક્રમિત હોવાનું માલુમ પડતા તમામ સભ્યોએ આઇસોલેટ થવાની જરૂર પડી છે. પ્રતિનિધિમંડળમાં ગયેલા વિદેશ મંત્રી એસ. જયશંકર પણ G-૭ બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લઇ રહ્યાં છે. અગાઉ બ્રિટનમાં યોજાઇ રહેલા G-૭ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટનના વિદેશમંત્રી ડોમિનિક રોબે ભારતના વિદેશ મંત્રીને ખાસ આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ વૈશ્વિક ફલક પર ભારતના વધી રહેલા કદનું પ્રતિક છે. મહત્ત્વના અને કદાવર દેશોના સંમેલનોમાં આમંત્રણ મળવું એ સન્માન ગણાય છે. બ્રિટન તરફથી મળેલું આમંત્રણ સન્માનની સાથે સાથે એક જવાબદારી પણ છે. દુનિયાનું નેતૃત્ત્વ કરવા માટે નૈતિક ક્ષમતાનું પ્રદર્શન કરવાની આ જવાબદારી ભારતે નિભાવવાની છે.G-૭ દુનિયાના સાત સૌથી શક્તિશાળી દેશોનો સમૂહ છે. ૧૯૭૫ના આર્થિક સંકટ બાદ દુનિયાની છ મહાસત્તાઓએ એક સાથે આવવાનો નિર્ણય લીધો. આ છ દેશોમાં અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, જાપાન અને બ્રિટનનો સમાવેશ થતો હતો. એક વર્ષ બાદ આ સમુહમાં કેનેડા પણ ઉમેરાયું અને એ રીતે G-૭ની શરૂઆત થઇ. નેવુંના દાયકામાં સોવિયેત સંઘનું પતન થયા બાદ આ સમૂહમાં રશિયાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો થવા લાગ્યાં. છેવટે ૧૯૯૮માં રશિયા પણ આ સમૂહમાં જોડાઇ ગયું અને G-૭ સમૂહ G-૮ બની ગયો. ૨૦૧૪માં ક્રીમિયા સંકટ બાદ રશિયાની G-૮ સંગઠનમાંથી હકાલપટ્ટી કરવામાં આવી અને એ સંગઠન ફરી પાછું G-૭ બની ગયું.
હાલ G-૭ સમૂહમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને કેનેડા સામેલ છે. ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાની મહાશક્તિઓના સમૂહના રૂપમાં જોવામાં આવે છે. ગુ્રપ ઓફ સેવનને કમ્યૂનિટી ઓફ વેલ્યૂઝ એટલે કે મૂલ્યોનો આદર કરતો સમૂહ પણ કહેવામાં આવે છે. સ્વતંત્રતા, માનવાધિકારોની રક્ષા, લોકશાહી અને કાયદાનું શાસન અને સમૃદ્ધિ તેમજ સતત વિકાસ જી-૭ના મુખ્ય સિદ્ધાંત છે. G-૭ દેશોના મંત્રીઓ અને અધિકારીઓ પરસ્પરના હિતોના મામલે ચર્ચા કરવા દર વર્ષે મળે છે. દરેક સભ્ય દેશ વારાફરતી આ સમૂહની અધ્યક્ષતા કરે છે અને બે દિવસીય વાર્ષિક શિખર સંમેલનની યજમાની કરે છે. ભારત પહેલેથી જ G-૨૦ દેશોનું સન્માનિત સભ્ય છે પરંતુ G-૭માં મળેલું આમંત્રણ ભારતની વધી રહેલી આર્થિક અને ટેકનોલોજીકલ પ્રગતિનું પ્રતિક છે. અગાઉ ભારતે બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જ્હોનસનને પ્રજાસત્તાક દિન નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ બ્રિટનમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને જોતાં તેઓ ભારતયાત્રા પર ન આવી શક્યાં. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને G-૭ બેઠક પહેલા તેઓ ભારતની મુલાકાતે આવવાની ખાતરી આપી હતી. જોકે ભારતમાં કોરોનાની બીજી લહેરના કારણે તેમની મુલાકાત બીજી વખત પણ મુલતવી રાખવી પડી હતી.
જોકે બ્રિટન ભારતને જે મહત્ત્વ આપી રહ્યું છે એનાથી ખ્યાલ આવે છે કે ભારતનું વૈશ્વિક રાજનીતિમાં મહત્ત્વ કેટલું વધી ગયું છે. જોકે જી-૭ સંમેલનમાં ભાગ લેવો ભારત માટે કોઇ નવી વાત નથી કારણ કે અગાઉ વર્ષ ૨૦૦૫થી ૨૦૦૯ સુધી તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ પણ તત્કાલિન G-૮ સંમેલનોમાં ભાગ લેતાં રહ્યાં. વિશ્વમાં કોરોનાનું સંક્રમણ ફેલાયા બાદ આ પહેલું G-૭ સંમેલન છે કારણ કે ૨૦૨૦માં અમેરિકામાં યોજાનારું સંમેલન રદ્ કરવામાં આવ્યું હતું. એ વખતે પણ અમેરિકાના તત્કાલિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને સંમેલનમાં ભાગ લેવા ખાસ આમંત્રણ આપ્યું હતું. નવા વર્ષની શરૂઆતથી જ બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થયું છે અને બ્રેક્ઝિટ લાગુ થયા બાદ પણ બોરિસ જ્હોનસન માટે પડકારો ઓછા નથી થયાં બલ્કે વધ્યાં છે. આમ પણ બ્રેક્ઝિટની ચર્ચા ચાલી ત્યારથી બ્રિટનની અર્થવ્યવસ્થા ઉપર તેની નકારાત્મક અસરો થઇ છે. બ્રિટનની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ અટકી ગઇ છે અને લોકો ગરીબ થવા લાગ્યાં છે. વિદેશી કંપનીઓ પણ રોકાણને લઇને વધારે સાવચેત બની ગઇ છે. પ્રોપર્ટી બજારમાં મંદી આવી ગઇ છે. યુરોપિયન યુનિયનથી અલગ થયા બાદ નવી સમજૂતિ હેઠળ બોરિસ જ્હોનસન સમક્ષ બ્રિટનની અર્થવ્યવસ્થાને રસાતાળ જતી અટકાવવાનો પડકાર છે. યૂ.એન.ના અસ્થાયી સભ્યપદ ઉપરાંત થોડા સમય પહેલાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કાર્યકારી બોર્ડનું અધ્યક્ષપદ ભારતને મળ્યું છે.વૈશ્વિક રાજનીતિની દુનિયામાં ભારતની સક્રિયતા વધે એ જરૂરી છે.વૈશ્વિક ફલક પર કૂટનીતિમાં સક્રિય રહ્યાં વિના આપણે પૂરી શક્તિ, ક્ષમતા, યોગ્યતા અને કૌશલ્યનો લાભ નહીં મેળવી શકીએ.
ભારત આજે દુનિયામાં લશ્કરી અને આર્થિક રીતે ઘણું શક્તિશાળી રાષ્ટ્ર બની ચૂક્યું છે. આજે ભારત દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યસ્થા છે, દુનિયાનું સૌથી મોટું ગ્રાહક બજાર છે અને ચીન બાદ સૌથી ઝડપથી વિકાસ કરતી અર્થવ્યવસ્થા છે. ભારત પાસે દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી સેના છે. અમેરિકા અને રશિયા બાદ ભારતમાં દર વર્ષે મેડિકલ અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ બહાર પડે છે. ભારતના સોફ્ટવેર એન્જિનિયરોની આખી દુનિયામાં બોલબાલા છે અને અનેક ભારતીયો અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં કામ કરે છે. ભારતને વૈશ્વિક સ્તરે જે સમર્થન મળી રહ્યું છે એ ઉત્સાહિત કરનારું છે. વર્તમાન કોરોના સંકટ અને એ પછીની વૈશ્વિક વ્યવસ્થામાં નેતૃત્ત્વ કરવાનો ભારત પાસે સુવર્ણ અવસર છે. કદ અને આંતરરાષ્ટ્રીય દબદબાને જોતાં ભારતને નજરઅંદાજ કરવું હવે સ્થાયી સભ્યો માટે શક્ય નથી. છેલ્લા થોડા વર્ષોથી ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર અનેક વખત પોતાનું મહત્ત્વ સાબિત કર્યું છે. પર્યાવરણની રક્ષાના ક્ષેત્રમાં પણ તે વૈશ્વિક સ્તરે નેતૃત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. હવે તેને G-૭ જેવું મંચ મળ્યું છે અને આ વખતે ચીન ભારતની રાહમાં રોડાં નાખી શકે એમ નથી. વિદેશ મંત્રીએ કહ્યું કે કોરોના એક સહિયારી સમસ્યા છે. ભારતે ગયા વર્ષે અને આ વર્ષે દુનિયાના અનેક દેશોને હાઇડ્રોક્સિક્લોરોક્વીન અને પેરાસિટામોલ સહિત અનેક દવાઓ પહોંચાડી છે. ભારતે અનેક દેશોને કોવિડની વેક્સિન પણ પહોંચાડી છે. ભારતે કરેલી મદદના જવાબમાં હવે અનેક દેશો ભારતની મદદે આવી રહ્યાં છે. વિદેશ મંત્રીની અપીલ પર સાઉદી અરેબિયા, સિંગાપુર, સંયુક્ત આરબ અમીરાત, જર્મની, બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા અને બીજા કેટલાંક દેશો પણ ભારતની મદદ કરી રહ્યાં છે. વૈશ્વિકરણના આ દોરમાં તમામ દેશોએ સાથે મળીને કોરોના સામે જંગ લડવાનો રહેશે. જો G-૭ બેઠકમાં કોરોના મહામારી સામે લડવા માટે વેક્સિન ઉત્પાદનની સંયુક્ત વ્યવસ્થા બનાવવામાં આવે તો વેક્સિનનું સંકટ હલ થઇ શકે છે.