રશિયામાં કોરોના સંક્રમણને કારણે ફરી કેસો વધવા લાગ્યા છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને સંસદના નીચલા ગૃહમાં કહ્યું કે,‘દેશના ઘણા વિસ્તારોમાં સંક્રમણને કારણે સ્થિતિ ગંભીર છે. આ વિસ્તારમાં ફરીવાર વેક્સિનેશનને ઝડપી બનાવવાની યોજના પર ધ્યાન આપવામા આવી રહ્યું છે. કોરોનાના કેસ ઓછા નથી થઈ રહ્યાં.ઘણા વિસ્તારોમાં સ્થિતિ અગાઉ કરતા ઘણી વધુ ખરાબ થઈ છે.’ રશિયામાં ગત 24 કલાકમાં 17 હજાર 378 નવા કેસ સામે આવ્યા અને 440 લોકોના મોત થયા હતા. સમગ્ર વિશ્વમાં વેક્સિન સપ્લાઈ કરતા રશિયામાં અત્યારસુધી માત્ર 3 કરોડ લોકોને વેક્સિન લગાવવામાં આવી છે, જે કુલ વસ્તીના 11.2 ટકા જ છે.છેલ્લા 24 કલાકમાં બ્રિટનમાં કોરોનાના 9,284 નવા કેસ મળી આવ્યા હતા. ઇમરજન્સી માટેના વૈજ્ઞાનિક સલાહકાર જૂથે જણાવ્યું છે કે કોરોનાના કેસો વધી શકે છે, આવી સ્થિતિમાં નવેમ્બર-ડિસેમ્બરમાં સ્થિતિ ગંભીર બની શકે છે. ઇંગ્લેન્ડના જાહેર આરોગ્ય નિયામક સુસાન હોપકિન્સે પણ ચેતવણી આપી છે કે આપણે કોરોનાના નવા પ્રકારને અવગણવું જોઈએ નહીં. કોરોનાના વધતા જતા કેસો પર તેમણે કહ્યું કે શિયાળામાં લોકડાઉન લાદવું પડી શકે છે.
