ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહેલા corona ના કહેર વચ્ચે વેક્સિનેશનની કાર્યવાહી પણ ઝડપી કરી દેવામાં આવી છે. તેમ છતા અનેક લોકો વેક્સિન લેતા અચકાઈ રહ્યા છે. આ બધા વચ્ચે એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં સરકાર કે પ્રશાસન લોકોને કોરોના વેક્સિન લગાવવાના બદલામાં ઓફર પણ આપી રહ્યા છે. આવી જ એક ઘટના અમેરિકાથી સામે આવી છે જ્યાં વેક્સિનના બદલામાં બિયર અને ગાંજો આપવામાં આવી રહ્યો છે.વિશ્વના તમામ દેશોના નિષ્ણાંતો હાલ વેક્સિન અને માસ્કને જ મહામારી રોકવા માટેના મજબૂત ઉકેલ માની રહ્યા છે. જો કે તેમ છતા અનેક લોકો વેક્સિન લેવામાં ઝાઝો રસ નથી દાખવી રહ્યા. આ કારણે અનેક દેશોની સરકાર અને ખાનગી કંપનીઓ લોકોને વિવિધ પ્રકારની લલચામણી ઓફર આપી રહ્યા છે.અમેરિકાના ઓહિયોમાં વેક્સિન લેનારા કેટલાક લોકોને એક કંપનીએ બિયરની ઓફર આપી રાખી છે. ઉપરાંત અમેરિકાના મિશિગનમાં મારિજુઆના બનાવનારી કંપની યુવાનોને ગાંજો પણ ઉપલબ્ધ કરાવી રહી છે. અમેરિકાના અનેક શહેરોમાં આ પ્રકારની મફત અને લલચામણી ઓફર અપાઈ રહી છે. ચીનની વાત કરીએ તો ત્યાં પણ સરકાર અને કંપનીઓ વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા અનેક ઓફર આપી રહ્યા છે. જો કે, કેટલાક શહેરમાં તો ફરજિયાત વેક્સિનેશનના આદેશ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. હેનાન પ્રાંતના એક શહેરમાં તો સ્થાનિક પ્રશાસને વેક્સિન ન લેનારા લોકોને ચેતવણી પણ આપી દીધી છે. ઉબેર કંપનીએ ભારત સહિત અનેક દેશોમાં વેક્સિનેશન માટે ફ્રી રાઈડની સુવિધા ઓફર કરી છે.
