ચીનમાં ઘાતક કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા વધીને 811 થઇ ગઇ છે અને તેના સંક્રમણના 37,000થી વધુ મામલાની પૃષ્ટી થઇ ચુકી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યુ કે શનિવારે કોરોના વાયરસને કારણે વધુ 89 લોકોના જીવ ગયા હતા અને 2,656 નવા કેસ સામે આવ્યા છે. આયોગ અનુસાર 31 પ્રાંતીય સ્તરના વિસ્તારમાં અત્યાર સુધી કુલ 811 લોકો જીવ ગુમાવી ચુક્યા છે અને 37,198 મામલાની પૃષ્ટી થઇ છે. આયોગે જણાવ્યુ કે શનિવારે જે 89 લોકોના જીવ ગયા તેમાંથી 81 હુબેઇ પ્રાંતનાહતા જ્યા આ વિષાણુને કારણે સૌથી વધુ લોકો માર્યા ગયા છે.
આ સિવાય બે લોકો હેનાનમાં માર્યા ગયા છે. હુબેઇ, હેઇલોંગજિયાંગ,અનહુઇ, શાનદોંગ, હુનાન અને ગુઆંગ્શી ઝુઆંગમાં 1-1 વ્યક્તિનું મોત થયુ છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના એક અહેવાલ અનુસાર શનિવારે 600 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જેમાં 324 હુબેઇ પ્રાંતના હતા.
આ સિવાય ચીનના વુહાન શહેરમાં એક જાપાની નાગરિકનું કોરોના વાયરસને કારણે મોત થયુ છે. જાપાનના વિદેશ મંત્રાલયે ટોક્યોમાં એક નિવેદનમાં વુહાન શહેરમાં પોતાના નાગરિકના મૃત્યુની સૂચના આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે આશરે 60-65 વર્ષના આ વ્યક્તિને ગંભીર ન્યૂમોનિયાની સ્થિતિમાં વુહાનની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલે તેના મૃત્યુની સૂચના ચીન સ્થિત જાપાની દૂતાવાસને આપી છે.