જીવલેણ કોરોના વાયરસના કારણે સૌરાષ્ટ્રથી ચીન જનારા ઉદ્યોગપતિઓએ પોતાનો પ્રવાસ રદ્દ કર્યો છે. આટલું જ નહી, ચીનમાં મોકલવામાં આવનાર તલ અને જીરાની નિકાસ પણ 18 જાન્યુઆરીથી ઠપ્પ થઈ ગઈ છે. ચીનમાં વાર્ષિક 15 લાખ બોરી જીરાની નિકાસ થાય છે. આ ઉપરાંત તલ પણ 85 હજાર ટન વાર્ષિક નિકાસ કરવામાં આવે છે.
સૌરાષ્ટ્રથી મોકલવામાં આવનાર તલનો ઉપયોગ ચીનમાં બેકરી પ્રોડક્ટ્સમાં કરવામાં આવે છે. જ્યારે જીરાનો ઉપયોગ બારે મહિના થાય છે. ગુજરાતનું જીરૂ ચીનાઓને સારૂ લાગે છે. આથી જ તેઓ જીરાનો ઉપયોગ નૂડલ્સ અને રસોઈની વાનગીઓ બનાવવામાં કરે છે.
કોરોના વાયરસના કારણે સૌરાષ્ટ્રથી ચીનનો વેપાર સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો છે. આ ઉપરાંત રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં તીડોનું આક્રમણ થયું હતું. જેના કારણે ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં પાક નિષ્ફળ ગયો હતો. તીડોના કારણે અહીં ખેડૂતોને ભારે નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ વધારે ઠંડીના કારણે સૌરાષ્ટ્રમાં આ વર્ષે માત્ર 35 લાખ બોરી જીરાનું ઉત્પાદન થવાની સંભાવના છે.