ચીનમાં કોરોનાવાયરસ બેફામ થઈ ગયો છે ત્યારે ચીનની અર્થવ્યવસ્થા પૂરી રીતે ડામાડોળ થઇ ગઈ છે. હવે ચાઇનીઝ ચલણ પણ આ વાયરસની પકડમાં આવી ગયું છે. વાયરસની અસર હવે ચીનનાં ચલણ ઉપર જોવા મળી રહી છે. ખાસ કરીને કાગળની નોટોને ચેપ લાગવાના કારણે જોખમ વધી રહ્યું છે. કોરોનાવાયરસ કાગળની નોંટો દ્વારા ફેલાઇ રહ્યો છે.
આવી સ્થિતિમાં ચીને 84,000 કરોડની નોટો નષ્ટ કરવાનો આદેશ આપ્યો છે. હજારો કરોડની ચેપગ્રસ્ત નોટોનો નાશ કરવાનો આદેશ અપાયો છે. ચીની સરકારે ચેપગ્રસ્ત લોકોનાં હાથ દ્વારા બજારમાં ફેલાયેલી ચેપગ્રસ્ત નોટોને ઠીક કરવાનું શરૂ કરી દીધુ છે. હોસ્પિટલો, જાહેર પરિવહન, જાહેર સ્થળોએ ઉપયોગમાં લેવાતી કાગળની નોટ્સ પર કોરોનાવાયરસ ફેલાવવાનું જોખમ દિવસેને દિવસે વધતુ જઇ રહ્યુ છે. આવી સ્થિતિમાં સરકારે જે કાગળની નોટો હોસ્પિટલો, બજારો અને પરિવહન સેવાઓથી આવી છે તેનો નાશ કરવાનો આદેશ આપ્યો છે.
સેન્ટ્રલ બેંક ઓફ ચાઇનાની ગુઆંગઝો શાખાએ કહ્યું છે કે, બજારમાં જારી કરાયેલી કાગળની તમામ નોટોનો નાશ કરવામા આવશે, જ્યારે પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ પણ બજારમાં ફેલાયેલી તમામ કાગળની નોટોને નષ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. વળી, સેન્ટ્રલ બેંકનાં ડેપ્યુટી ગવર્નર ફેન યિફેઇનાં જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બેંકે 17 જાન્યુઆરીથી દેશભરમાં 600 અબજ યુઆનની નવી નોટ જારી કરી છે. જેમાંથી, 4 અબજ યુઆનની નવી નોટો ફક્ત વુહાનને મોકલવામાં આવી છે, જ્યાં કોરોનાવાયરસ પર સૌથી વધુ અસર જોવા મળી છે. ચીનની સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે જાન્યુઆરી પછી બહાર પાડવામાં આવેલી નોટ જમા કરવામાં આવશે અને તેને 14 દિવસની ક્વોરેન્ટીનમાં રાખવામાં આવશે, જ્યાં આ નોંટ અલ્ટ્રા વાયોલેટ રે ની મદદથી ચેપથી મુક્ત કરાશે.