ચીનમાં જીવલેણ કોરોના વાઇરસના કારણે વધુ 136 લોકોના મોત સાથે બુધવારે વાઇરસના ચેપના કારણે મરનારા લોકોનો આંકડો 2,000ને પાર કરી ગયો હતો અને હજુ પણ 74,185 લોકો તેનાથી પીડાઈ રહ્યા છે.
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના અહેવાલ પ્રમાણે કોરોના વાઇરસના કારણે અત્યાર સુધીમાં કુલ 2,004 લોકો મૃત્યુ પામ્યા છે અને નવા 1,749 લોકોને તેનો ચેપ લાગ્યો છે. તાજેતરમાં મૃત્યુ પામેલા 136 લોકો પૈકીના 132 લોકો હુબેઈ પ્રાંતના હતા જ્યારે બાકીના ચાર હેઇલોંગજિયાંગ, શાનદોંગ, ગુઆંગદોંગ અને ગુઈઝોઉ પ્રાંતમાથી હતા. તે સિવાય નવા 1,185 સંદિગ્ધ કેસ સામે આવ્યા છે અને મંગળવારે 236 દર્દીઓની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી જ્યારે 1,824 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
આ તરફ ચીને પોતાનું અપમાન કરતો લેખ જાહેર કરવાને લઈ બેઇજિંગમાં રહેતા વોલ સ્ટ્રીટ જર્નલના ત્રણ પત્રકારોનું પ્રેસ કાર્ડ રદ કર્યું છે અને તેમને ત્રણ દિવસમાં દેશ છોડીને જતા રહેવાનો આદેશ આપ્યો છે.