Donald Trump: પાકિસ્તાન તરફથી ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે સમર્થન, 2026 માટે નામ ભલામણ
Donald Trump: પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2026 માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે પાકિસ્તાન તરફથી ભલામણ કરવામાં આવી છે. પાકિસ્તાને તાજેતરના ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવભર્યા સમયમાં ટ્રમ્પના “મહત્વપૂર્ણ અને નિષ્ણાત રાજદ્વારી હસ્તક્ષેપ”ને ધ્યાનમાં રાખીને તેમના નામનું સમર્થન જાહેર કર્યું છે.
Donald Trump: પાકિસ્તાની સરકારના નિવેદન અનુસાર, પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત દ્વારા શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનના પ્રતિસાદ રૂપે શરૂ કરાયેલ ઓપરેશન “બુન્યાન ઉન મારસૂસ” વચ્ચે દ્વિપક્ષીય તણાવ વધુ ઊંડો થયો હતો. આ સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરીને યૂદ્ધવિરામ માટે મદદરૂપ થવાનો દાવો કર્યો હતો.
ટ્રમ્પના પ્રયાસો પ્રશંસનીય: પાકિસ્તાન
પાકિસ્તાને જણાવ્યું કે ટ્રમ્પના પ્રયાસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત મોટો યુદ્ધ ટળી ગયો. “અમે માનીએ છીએ કે એવા તણાવભર્યા સમયે, ટ્રમ્પની ભૂમિકા શાંતિ સ્થાપનામાં મહત્વપૂર્ણ રહી હતી,” પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું.
અસીમ મુનીરની મુલાકાત અને ભલામણ
18 જૂન 2025ના રોજ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત લીધી હતી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ આ મુલાકાતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે “આ મુલાકાત દરમિયાન નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પના નામના સમર્થનની ચર્ચા થઈ હતી.”
અમેરિકી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને અગાઉ સુચના આપી હતી કે તે ટ્રમ્પના નોબેલ માટેના નામને સમર્થન આપશે અને ત્યારબાદ જ આ અધિકૃત મુલાકાત યોજાઈ.
ટ્રમ્પની પ્રતિસાદની રાહ
હાલ ટ્રમ્પ તરફથી આ ભલામણ અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી, પરંતુ અગાઉ પણ તેમણે નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાની ઈચ્છા જાહેરમાં વ્યક્ત કરી હતી.