ક્લાઈમેટ ચેન્જની અસર દિવસે ને દિવસે વધારે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. એક લેટેસ્ટ સંશોધનના ભાગરૂપે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, દર વર્ષે ધરતી પર 53,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં બરફ ઓગળી રહ્યો છે. જેના ગંભીર પરિણામો માણસને જાતે જ ભોગવવા પડશે.ધરતી પર હાલમાં જે તાજુ પાણી છે તેમાં બરફ તરીકે સંઘરાયેલા પાણીનો હિસ્સો ઘણો મોટો છે. જો બર્ફિલો વિસ્તાર ઓછો થઈ રહ્યો છે તો તે ધરતી પર વધી રહેલા તાપમાન તરફ ઈશારો કરે છે. ચીનના સંશોધક શિઆઓકિંગ પૈંગનુ કહેવુ છે કે, બરફિલા વિસ્તાર ક્લાઈમેટ ચેન્જનો સંકેત આપતા સૌથી મોટા પરિબળ છે અને સાથે સાથે તે દર્શાવે છે કે, દુનિયા બદલાઈ રહી છે.ધરતી પર બરફથી છવાયેલા વિસ્તારોના આકારમાં બદલાવ એક મોટા વૈશ્વિક પરિવર્તનને દર્શાવે છે. તાજેતરમાં જાન્યુઆરીમાં જ અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ કહ્યું હતું કે, 2020નુ વર્ષ દુનિયાનું સૌથી ગરમ વર્ષ રહ્યુ છે. જેનો અર્થ એ થાય છે કે, બરફ પિગળવાની ઝડપ વધી ચુકી છે. વિશ્વના સરેરાશ તાપમાનમાં 1951થી 1980 સુધી એક ડિગ્રી જેટલો વધારો થઈ ચુકયો છે.
