એક સાથે અનેક સંકટોનો સામનો કરી રહેલા પાકિસ્તાનને હવે સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ટેરર ફન્ડિંગ અને મની લોન્ડરિંગ પર નજર રાખી રહેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના એશિયા પેસિફિક ગ્રુપે તેને ડાઉનગ્રેડ કરીને બ્લેક લિસ્ટમાં મૂકી દીધું છે. આતંકીઓને મળતા ભંડોળ તેમજ મની લોન્ડરિંગ રોકવામાં નિષ્ફળ રહેવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતને સમર્થન કરનારા અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને ઇંગ્લેન્ડના દબાવ પછી FATFએ ૨૦૧૮ના જૂનમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યું હતું.
પાકિસ્તાને ઓસ્ટ્રેલિયામાં થયેલી FATFની એશિયા પેસિફિક ગ્રુપની બેઠકના મુદ્દે ભળતી જ પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાને એશિયા પેસિફિક ગ્રુપ દ્વારા તેને બ્લેક લિસ્ટમાં મૂકવાની વાતને આધારહીન અને ખોટી ગણાવી છે. પાકિસ્તાને ભરોસો દર્શાવ્યો છે કે ઓક્ટોબરમાં તેનું નામ FATFના ગ્રે લિસ્ટમાંથી નીકળી જશે. પાકિસ્તાને કહ્યું છે કે ચીન, ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા, તુર્કી અને સાઉદી અરબ સહિતના અનેક દેશોએ આ મુદ્દે લોબિંગ કર્યું છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે આ દેશો પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવાને લઈને સકારાત્મક છે.
૪૦માંથી ૩૨ માપદંડો પાકિસ્તાને પૂરા કર્યા નથી
ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરામાં આયોજિત FATFના એશિયા પેસિફિક ગ્રુપની ૨૨ અને ૨૩ ઓગસ્ટે આયોજિત બેઠકમાં સાત કલાકની ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય વિશે ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે FATFના એશિયા પેસિફિક ગ્રુપના વૈશ્વિક માપદંડો પૂરા નહીં કરવા માટે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવ્યું છે. ૪૦માંથી ૩૨ માપદંડો પાકિસ્તાને પૂરા કર્યા નથી. આતંકી ફન્ડિંગ અને મની લોન્ડરિંગ પર લગામ તાણવા માટે નક્કી કરેલા ૧૧ પ્રભાવશાળી માપદંડો પૈકી ૧૦માં પણ પાકિસ્તાનની રેટિંગ ખરાબ રહી છે.
૧૦ અબજ ડોલરનો ફટકો પડશે
જો પાકિસ્તાન બ્લેક લિસ્ટમાં મુકાશે તો તેને કોઈ પણ વૈશ્વિક સંસ્થાઓ જેવી કે વર્લ્ડ બેન્ક, આઈએમએફ, એડીબી અને યુરોપિયન યુનિયન પાસેથી લોન નહીં મળે. આ સિવાય મૂડીઝ, સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર અને ફિચ જેવી એજન્સીઓ તેનું રેટિંગ ઘટાડી શકે છે. જો આમ થાય તો પાકિસ્તાનને આશરે ૧૦ અબજ ડોલરનો ફટકો પડી શકે છે. જો આમ થાય તો પાકિસ્તાનની ઇકોનોમીને ભારે અસર થશે.