કોરોના કાળમાં બાળકોના જીવન ઉપર પણ ઘણી અસર થઇ છે. બાળકો બહાર રમવા જવાની જગ્યાએ કોમ્પ્યુટર કે મોબાઈલ ઉપર સમય વિતાવે છે. હવે તો શાળાનું શિક્ષણ પણ મોબાઈલ કે કોમ્પ્યુટર ઉપર થવા લાગ્યું છે. પરિણામે બાળકોને લાંબો સમય સ્ક્રીન સામે બેસી રહેવું પડે છે. જેનાથી તેમની આંખોને નુકસાન પહોંચશે તેવો ડર રહે છે. આ બાબતે તજજ્ઞોનું કહેવું છે કે, જો તમે બાળકોની આંખોને સુરક્ષિત રાખવા માટે કેટલીક બાબતોની કાળજી રાખશો તો તેમની દ્રષ્ટિ નબળી પડશે નહીં. તો ચાલો બાળકોની આંખોની કાળજી રાખવા કઈ બાબત ઉપર ધ્યાન રાખવું તેની માહિતી મેળવીએ.આંખમાં કોઈ સમસ્યા થાય ત્યારે જ ડોક્ટર પાસે જવું તેવુ જરૂરી નથી. બાળકોની આંખોનું ચેક અપ દર વર્ષે કરાવવું જોઈએ, તેવી સલાહ ડૉક્ટરો આપતા હોય છે. જો તમે તમારા બાળકોની આંખની તપાસ દર વર્ષે કરાવો તો તેમની દ્રષ્ટિ લાંબા સમય સુધી સારી રહેશે.
કોરોનાના કારણે તમે બાળકોને આઉટડોર ગેમ રમવા દેતા ન હોવ તો અઠવાડિયામાં ઓછામાં ઓછા બે થી ત્રણ દિવસ બહાર લઈને જાવ. તમે ઈચ્છો તો તેને કારમાં બેસાડીને શહેરની બહાર પણ લઈ શકો છો. જ્યાં તેમને થોડીવાર રમવા દો. આવું કરવાથી તેમની દ્રષ્ટિ લાંબા સમય સુધી સારી રહેશે, સાથે શારીરિક અને માનસિક વિકાસ પણ સારો થશે. બાળકોને પૌષ્ટિક ખોરાક આપશો તો તેઓ તંદુરસ્ત રહેશે અને આંખની દ્રષ્ટિ પણ સારી રહેશે. તેમને દૂધ, માછલી, ઈંડા, ચિકન, ડ્રાય ફૂડ, ફળ અને શાકભાજી ખવડાવવા જોઈએ. શક્ય હોય એટલા કલરના ફળ અને શાકભાજી બાળકોને ખવડાવવા. જો તમારા બાળકની આંખ પહેલેથી જ નબળી હોય તો, તેના માટે ઇલેક્ટ્રોનિક સ્ક્રીન પર વધુ સમય વિતાવવો ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં જ્યારે બાળકો સ્ક્રીન સામે વધુ બેસે ત્યારે વચ્ચે વચ્ચે બ્રેક લેવાનું કહો. આંખમાં દુખાવો, થાક કે બળતરાનો અનુભવ થાય ત્યારે માતા-પિતા કોઈપણ આઈડ્રોપ બાળકની આંખમાં નાખી દે છે. આવું ન કરવું જોઈએ. ડોક્ટરની સલાહ હંમેશા લેવી.