5મી મે, 1821ના દિવસે નેપોલિયન બોનાપાર્ટનું નિધન થયું હતું. ફ્રાન્સના મહાન સેનાપતિ નેપોલિયનને વોટરલૂના યુદ્ધમાં હાર પછી ફ્રાન્સથી હજારો કિલોમીટર દૂર સેન્ટ હેલેના ટાપુ પર કેદ કરી દેવાયા હતા. ત્યાં જોકે તેમને કેદીની માફક નહીં, પરંતુ રાજવીની માફક રહેવાની છૂટ હતી. તેમના માટે ખાસ મકાન બનાવાયું હતું. પણ એ ટાપુ છોડીને નેપોલિયન ક્યાંય જઈ શકે એમ ન હતા.આ ટાપુ પર જ 1821માં નેપોલિયનનું નિધન થયું હતું. મૃત્યુ વખતે નેપોલિયનની ઉંમર 51 વર્ષ હતી અને મોતનું કારણ કથળતું જતું સ્વાસ્થ્ય હતું. એ વખતે મેડિકલ સાયન્સ એટલું વિકસ્યું પણ ન હતું કે મોતનું સાચુ કારણ જાણી શકાય. વળી નેપોલિયન અંગ્રેજોના કેદી હતા માટે મોતની તપાસ થવા દેવાઈ ન હતી. વર્ષો પછી સંશોધકોએ નેપોલિયનની કબર ખોલી, તેમાંથી નેપોલિયનના વાળ સહિતના અવશેષો કાઢીને મૃત્યુની તપાસ કરી હતી. એ અવશેષોમાં જણાયું હતું કે મૃત્યુ વખતે નેપોલિયનના શરીરમાં ઝેર હતુ. બ્રિટન જોકે એ વાત સ્વિકારતું નથી. માટે કેટલાક સંશોધકો બે સદી પછી પણ નેપોલિયનનું મોત કેમ થયું હતું તેની નવેસરથી તપાસ કરવા ડિમાન્ડ કરી રહ્યા છે. સત્તામાં આવીને નેપોલિયન કોડ નામે ઓળખાતા કેટલાક કાયદાઓ તેણે દાખલ કરાવ્યા અને બેંક ઓફ ફ્રાંસની સ્થાપના પણ કરી. ફ્રાંસને વારંવાર ઊંબાડિયા કરતાં રહેતા બ્રિટનને જીતી લેવું એ નોપોલિયનની નેમ હતી.
દરેક નવા હુમલા વખતે નેપોલિયન ફ્રેંચ સામ્રાજ્યના વિસ્તારમાં વૃદ્ધિ કરી આપતો હતો. અંગત રીતે નેપોલિયન સતત વ્યસ્ત રહેતો હતો. વાંચન અને લેખન ન કરવાનું હોય ત્યારે હવે ક્યો પ્રદેશ જીતી શકાશે તેનું પ્લાન તેના મગજમાં ઘૂમરાતુ રહેતુ હતું. દરમિયાન બાળપણની પોતાની પ્રેમિકા જોસેફાઈન સાથે તેણે લગ્ન કરી તેને મહારાણી બનાવી દીધી હતી.બધા પાસાંઓ સવળા પડતાં હતા એ નેપોલિયનના પતનની શરૃઆત ૧૮૧૫માં થઈ. વખત હતો ૧૮મી જૂનનો અને સ્થળ હતું યુરોપિયન દેશ બેલ્જિયમના પાટનગર બ્રસેલ્સથી ૧૩ કિલોમીટર દક્ષિણે આવેલું વોટરલૂ નામનું મેદાન. પચાસેક યુદ્ધો જીતી ચુકેલા નેપોલિયને સંખ્યાબંધ દેશો પર ફ્રેચ ત્રિરંગો (બ્લુ, સફેદ અને લાલ કલરનો ફ્રેંચ ધ્વજ) ફરકતો કરી દીધો હતો. એક વખત હારી જાય તો પણ ફરીથી સેના ભેગી કરી દુશ્મનોના દાંત ખાટા કરવાની ફિતરત માટે નેપોલિયન જાણીતો હતો. અલબત્ત, આ વખતનું યુદ્ધ ઇતિહાસ પલટાવનારું સાબિત થયું. વધુ એક રજવાડાં પર જીત મેળવી ફ્રેંચ સામ્રાજ્યનો નકશો વિસ્તારવાની નેમ સાથે મેદાને પડેલા નેપોલિયનની ‘ડયુક ઓફ વેલિંગ્ટન’ આર્થર વેલેસ્લી સામે હાર થઈ એ પછી નેપોલિયન જો ફ્રાન્સમાં જ ક્યાંક રહે તો તેના સમર્થકો તેને છોડાવ્યા વગર રહે નહીં માટે બ્રિટને તેને સેન્ટ હેલેના ટાપુ પર મોકલી આપ્યો હતો.