મુંબઇઃ કોરોના વાયરસના લીધે ભારત સહિત સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસરો પડી રહી છે. જેના પગલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ ભારતીય અર્થતંત્ર સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વિકાસદર ઘટવાની આગાહી કરી છે. IMFએ ભારતના ચાલુ વર્ષ 2020-21 માટેના અંદાજીત વિકાસદર ઘટાડીને -10.3 ટકા કર્યો છે. જ્યારે તેણે જૂનમાં ભારતીય અર્થતંત્રમાં 4.5 ટકાના સંકોચનની આગાહી કરી હતી. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે ભારતનો વિકાસદર માત્ર 4.2 ટકા રહ્યો છે જે છેલ્લા બે દાયકાનો સૌથી નીચો વૃદ્ધિદર છે.
અગાઉ ભારતીય રિઝર્વ બેન્ક ઉપરાંત વૈશ્વિક સ્તરની વિવિધ સંસ્થાઓએ પણ ભારતીય અર્થતંત્રના વિકાસદરમાં વ્યાપક ઘટાડાની આગાહી કરી છે. જેમાં એશિયન ડેવલપમેન્ટ બેન્કે ભારતીય અર્થતંત્રના વિકાસદરમાં 9 ટકા, રિઝર્વ બેન્કે 9.5 ટકા, વર્લ્ડ બેન્કે 9.6 ટકા અને ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક્સ કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટે 10.2 ટકા અને ગોલ્ડમેન સાશે સૌથી વધુ 14.9 ટકાના સંકોચનની આગાહી કરી છે.
તેવી જ રીતે ભારતના સંદર્ભમાં વિવિધ એજન્સીઓ-સંસ્થાઓએ નવા નાણાંકીય વર્ષ 2021-22 માટે વિકાસદર 5થી 9 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જેમાં IMFએ નવા વર્ષ 2021-22માં ભારત 8.8 ટકાના દરે વિકાસ કરે તેવી આશા વ્યક્ત કરી છે.
આઇએમએફ એ વૈશ્વિક અર્થતંત્રના વિકાસદરમાં ચાલુ વર્ષે 4.4 ટકાનું સંકોચન આવવાની આગાહી કરી છે. તો અમેરિકાનું અર્થતંત્ર ચાલુ વર્ષે 5.8 ટકાના દરે વધશે ત્યાર પછીના વર્ષે 3.9 ટકાના દરે વિકાસ પામશે તેવી ધારણા છે.
સમગ્ર દુનિયામાં કોરોના મહામારી ફેલાવનાર હવે વિકાસના પંથે આગળ વધી રહ્યુ છે. IMFએ આજે કહ્યુ કે, ચીનનું અર્થતંત્ર ચાલુ વર્ષે 1.9 ટકાના દરે વિકાસ કરશે જે તેના પાછલા અંદાજ કરતા લગભગ બમણો ઉંચો અંદાજ છે. વિશ્વના બીજા સૌથી અર્થતંત્રમાં કોરોના મહામારીના પગલે લાગુ કરાયેલા લોકડાઉનમાં વેપાર ગતિવિધિઓ, ઔદ્યોગિક કામકાજ બંધ રહેતા ગત માર્ચમાં ચીનનો વિકાસદર 6.8 ટકા સંકોચાયો હતો. જો ત્યારબાદ લોકડાઉન ખુલ્યા બાદ આર્થિક ગતિવિધિઓ વધતા જૂન ક્વાર્ટરમાં ચીને 3.2 ટકાના દરે વિકાસ કર્યો હતો.