Independence Day:યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું ‘ભારત સાથે અમારા મજબૂત સંબંધો છે’.
સ્વતંત્રતા દિવસના અવસર પર અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ભારતના લોકોને શુભેચ્છા પાઠવી છે. બ્લિંકને કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચેનો સહયોગ પહેલા કરતા વધુ વ્યાપક અને મજબૂત છે.
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ભારતને તેના સ્વતંત્રતા દિવસના અવસર પર શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધો ઝડપથી વધી રહ્યા છે. યુએસ-ભારત વ્યૂહાત્મક સંબંધો માટે ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરતાં બ્લિંકને જણાવ્યું હતું કે બંને દેશો લોકશાહી, સ્વતંત્રતા અને માનવીય ગૌરવ પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત મજબૂત સંબંધ ધરાવે છે.
બ્લિંકને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ મહત્વપૂર્ણ દિવસ (ભારતના સ્વતંત્રતા દિવસ) પર, અમે ભારતના લોકોના સમૃદ્ધ અને વૈવિધ્યસભર ઇતિહાસ અને યુએસ-ભારત સંબંધોના ઉજ્જવળ ભવિષ્યની ઉજવણી કરીએ છીએ.”
દ્વિપક્ષીય સહયોગ વધુ મજબૂત બન્યો છે.
યુએસ સ્ટેટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, “યુનાઈટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે સહકાર ઝડપથી વધી રહ્યો છે કારણ કે અમે મુક્ત, ખુલ્લા, સ્થિર અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિકના અમારા સહિયારા વિઝનને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરીએ છીએ. આબોહવા અને સ્વચ્છ ઉર્જાથી લઈને સંરક્ષણ અને અવકાશ તકનીકો સુધી, યુએસ-ભારત દ્વિપક્ષીય સહયોગ પહેલા કરતા વધુ વ્યાપક અને મજબૂત છે.” બ્લિંકને કહ્યું, ”હું ભારત, યુએસ અને વિશ્વભરના ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવું છું ”
PM મોદી ન્યૂયોર્ક જઈ શકે છે.
આ દરમિયાન અત્રે એ પણ જણાવી દઈએ કે, સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ભવિષ્ય સાથે સંબંધિત સંયુક્ત રાષ્ટ્ર સમિટમાં ભાગ લેવા માટે આવતા મહિને ન્યુયોર્ક જઈ શકે છે. આ સંમેલનમાં વિશ્વના ઘણા નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. સૂત્રોએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. આ સમિટ 22 અને 23 સપ્ટેમ્બરે યોજાશે. સૂત્રોએ જણાવ્યું કે ન્યૂયોર્કમાં સમિટ દરમિયાન વિશ્વના ઘણા નેતાઓ સાથે વાત કરવા ઉપરાંત વડાપ્રધાન ભારતીય સમુદાયના એક કાર્યક્રમને પણ સંબોધિત કરશે. આ સમયગાળા દરમિયાન ક્વોડ કોન્ફરન્સ યોજાય તેવી પણ શક્યતા છે.