India-Bangladesh: ભારત-બાંગ્લાદેશ સીમા પર તણાવ,કાંટાળી તાર અંગે બંને દેશો વચ્ચે ચર્ચા
India-Bangladesh: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીમા પર કાંટાળી તાર લગાવવા મામલે તણાવ વધી રહ્યો છે. બાંગ્લાદેશના વિદેશ સચિવ જશીમ ઉદ્દીન અને ભારતીય હાઈકમિશનર પ્રણય વર્મા વચ્ચે આ મુદ્દે બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે 45 મિનિટ સુધી ચાલી હતી, જેમાં બંને દેશોએ સીમા પર વધતી તણાવની પરિસ્થિતિને ઓછું કરવા પર ચર્ચા કરી.
India-Bangladesh: સીમા સુરક્ષા અંગે ભારતે કાંટાળી તાર લગાવવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેને લઈને બાંગ્લાદેશે નારાજગી વ્યક્ત કરી છે. બાંગ્લાદેશનો આક્ષેપ છે કે ભારત આ પગલાથી દ્વિપક્ષીય સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે. બાંગ્લાદેશના વિદેશ સચિવે કહ્યું કે આવી પ્રવૃત્તિઓથી બંને દેશોના સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે.
ભારતીય હાઈકમિશનર પ્રણય વર્માએ બેઠક બાદ મીડિયાને જણાવ્યું કે બંને દેશોએ સીમા પરના ગુનાને રોકવા અને માનવ તસ્કરીની પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા પર ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે સીમા પર કાંટાળી તાર લગાવવા અંગે બીએસએફ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજિબી) વચ્ચે ચર્ચા ચાલુ છે અને પરસ્પર સમજૂતીના આધારે આ મુદ્દાનું નિરાકરણ લાવવામાં આવશે.
આ પહેલા, બાંગ્લાદેશના ગૃહમામલાના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) જહાંગિર આલમ ચૌધરીએ કહ્યું હતું કે ભારતે બાંગ્લાદેશના વિરોધને કારણે સીમા પર બાંધકામનું કામ અટકાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતે 4156 કિમી લાંબી સીમામાંથી 3271 કિમી પર પહેલાથી જ બાંધકામ કરી દીધું છે, જ્યારે 885 કિમી સીમા હજી પણ બાંધકામ વિના છે. તાજેતરમાં પાંચ વિસ્તારોમાં વિવાદની સ્થિતિ ઊભી થઈ છે.