કોરોનામાં હવે દર્દીઓની દેખરેખ ગ્રેસફુલ બનશે. આ કામ ‘ગ્રેસ’ નામની ફીમેલ રોબોટ કરશે. હોંગકોંગની કંપની હેનસને ગ્રેસને ડેવલપ કરી છે. આ ફીમેલ રોબોટ તૈયાર કરવાનો હેતુ કોરોના દર્દીઓની દેખરેખમાં જોડાયેલા હેલ્થ વર્કર્સની મદદ કરવાનો છે. આ ફીમેલ રોબોટ આઈસોલેટેડ કોરોના દર્દીઓની એક નર્સની જેમ જ દેખરેખ કરશે. તેનાથી હેલ્થ વર્કર્સને સંક્રમણથી બચાવી શકાશે. ગ્રેસ રોબોટની છાતી પર થર્મલ કેમેરા અટેચ છે. આ કેમેરા દર્દીના શરીરનું તાપમાન ચેક કરે છે. તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી દર્દીની મુશ્કેલી સમજી તેને ઈંગ્લિશ, મેન્ડેરિન અને કેન્ટોનીઝ ભાષામાં રિપ્લાય કરે છે. ગ્રેસને બનાવનાર હેનસન કંપનીની હોંગકોંગની રોબોટિક્સ વર્કશોપમાં તેને બોલવાની ટ્રેનિંગ અપાઈ છે. ટેસ્ટિંગ બાદ કંપનીનું કહેવું છે કે ‘ગ્રેસ’ લોકો સાથે ચાલી શકે છે અને સારવાર માટે રીડિંગ લેવામાં મદદ કરી શકે છે. ગ્રેસ બાયો રીડિંગ, ટોક થેરપી અને અન્ય રીતે મદદ પણ કરી શકે છે.
હેનસન રોબોટિક્સ અને સિંગ્યુલારિટી સ્ટુડિયોના જોઈન્ટ વેન્ચરના ચીફ ડેવિડ લેકના જણાવ્યા પ્રમાણે, કંપનીનો હેતુ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવાનો છે. ગ્રેસના બીટા વર્ઝનનું પ્રોડક્શન પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ તેને જાપાન અને કોરિયાના હેલ્થ સેન્ટર્સમાં અપોઈન્ટ કરવામાં આવશે. હેનસનનું કહેવું છે કે રોબોટ બનાવવાની કિંમત એક લક્ઝરી કાર કિંમત બરાબર છે. જોકે તેની કિંમત વિશે કોઈ ખુલાસો થયો નથી, પરંતુ કંપનીએ કહ્યું છે કે પ્રોડક્શન બાદ તેની કિંમત ઓછી કરવામાં આવશે. હવાઈ યુનિવર્સિટીના કમ્યુનિકેશન સાયન્સના પ્રોફેસર કિમ મિન સને કોરોના દર્દીઓની દેખરેખ માટે ફીમેલ રોબોટના ઉપયોગ પર ભાર મૂક્યો છે. તેમના મત મુજબ લોકડાઉનમાં લોકો ઘરે પુરાઈ રહ્યા હોવાથી નેગેટિવ થિન્કિંગને કારણે લોકોનાં માનસિક સ્વાસ્થ્યને નુક્સાન થયું છે. આ રોબોટ કારગર સાબિત થશે. તે સામેવાળી વ્યક્તિને પોતે એક નર્સ છે તેવો જ અનુભવ આપશે. તેનાથી સોસાયટી પર પોઝિટિવ અસર થશે.