Iran Israel war 2025: ઇઝરાયલનો તેહરાન પર વિસ્ફોટક હુમલો, પરમાણુ સ્થાપનોને નિશાન, 585ના મોત
Iran Israel war 2025: મંગળવારે રાત્રે, ઇઝરાયલે ફરી એકવાર તેહરાન પર ફાઇટર જેટથી આક્રમક બોમ્બમારો કર્યો. ઇઝરાયલી સેનાએ કહ્યું કે આ હુમલામાં ઇરાનના ગુપ્ત પરમાણુ કેન્દ્રો અને મિસાઇલ ઉત્પાદન સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલામાં 10 ઇરાની મિસાઇલો પણ નાશ પામી હતી. હુમલાની અસર એટલી હદે પહોંચી ગઈ કે શહેરના બજારો બંધ થઈ ગયા અને નાગરિકો ભાગવા લાગ્યા.
માનવાધિકાર સંગઠનોના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ઈરાનમાં 585 લોકોના મોત થયા છે અને 1,300થી વધુ ઘાયલ થયા છે.
ઝડપથી વધી રહેલા યુદ્ધમાં ઈરાને પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. અહેવાલો અનુસાર, ઈરાનથી ઈઝરાયલ તરફ લગભગ 400 મિસાઈલ અને સેંકડો ડ્રોન છોડવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા 24 ઈઝરાયલીઓ માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. મિસાઈલોથી મધ્ય ઈઝરાયલમાં રહેણાંક વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે.
અમેરિકા પણ યુદ્ધમાં જોડાઈ શકે છે?
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે હવે અમેરિકાના સીધા હસ્તક્ષેપની શક્યતા વધી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ “માત્ર યુદ્ધવિરામ નહીં, પણ કંઈક મોટું” કરવા માટે તૈયાર છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે હાલ ઈરાનના નેતા ખામેનીને લક્ષ્ય બનાવવા માટે કોઈ યોજના નથી. તેમણે સોશિયલ મીડિયા પર ઈરાનને “શરણાગતિ” માટે કડક સંદેશ આપ્યો છે.
ખામેની અને ઈઝરાયલના મંત્રી વચ્ચે શબ્દયુદ્ધ
ટ્રમ્પની ધમકીઓ પર પ્રતિક્રિયા આપતાં ખામેનીએ એક પોસ્ટમાં લખ્યું કે, “અમે યહૂદી ઉગ્રવાદીઓ સામે દયા નહીં રાખી.” બીજી તરફ, ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે કહ્યું, “તેહરાન પર તોફાન આવી રહ્યું છે, અને આજે એક તાનાશાહતાનું પતન શરૂ થયું છે.”
સ્થિતિ ગંભીર, વિશ્વના દેશો ચિંતિત
આ યુદ્ધના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચિંતા જોવા મળી રહી છે. માનવ સંસ્થાઓ અને યુનાઇટેડ નેશન્સ દ્રારા બંને પક્ષોને શાંતિ માટે મથામણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.