Israel Iran war 2025: ઈરાને નાગરિકોને ચેતવણી આપી, “મોસાદના જાસૂસો તમારાં પાડોશમાં હોઈ શકે છે
શકાસ્પદ લોકો પાસેથી સાવધાન રહેવા અને તાત્કાલિક અહેવાલ આપવા જાહેર અપીલ
Israel Iran war 2025: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઈરાનમાં આંતરિક સુરક્ષાની ચિંતા વધી રહી છે. ઇરાની સરકારે નાગરિકોને ચેતવણી આપી છે કે ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના એજન્ટો દેશની અંદર પ્રવેશી ગયા હોવાની શકયતા છે, અને નાગરિકોને શંકાસ્પદ હરકત કે લોકો વિશે તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા માટે જણાવ્યું છે.
સરકારે જાહેર કરેલ માર્ગદર્શિકા અનુસાર, નાગરિકોને ખાસ કરીને એવા લોકો પાસેથી સાવધ રહેવા જણાવાયું છે:
- જે રાત્રે પણ માસ્ક, ટોપી અને સનગ્લાસ પહેરે છે
- પિકઅપ ટ્રક ચલાવે છે અથવા મોટી બેગ વહન કરે છે
- લશ્કરી, ઔદ્યોગિક અથવા રહેણાંક વિસ્તારમાં વીડિયો રેકોર્ડ કરે છે
- જેમના ઘરમાં દિવસ દરમિયાન પણ પડદા બંધ રહે છે
- જ્યાંથી ચીસો કે ધાતુના સાધનોના અવાજ આવતા હોય
મોસાદના એજન્ટો દ્વારા આંતરિક તસ્કરી, હથિયાર પ્રસારણ અને માહિતીચોરીની આશંકા વચ્ચે, દેશમાં અત્યાર સુધીમાં 28થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉના અઠવાડિયે આવી ધરપકડોની સંખ્યા 60 સુધી પહોંચી હતી, ખાસ કરીને તે લોકો સામે જેમણે ‘ઝાયોનિસ્ટ સમર્થન’ હોવાનું સામગ્રી પ્રસિદ્ધ કરી હતી.
ઈરાનના મીડિયા અને સોશિયલ મિડિયા પર પણ સરકારની નજર
તેહરાનના ફરિયાદી કાર્યાલયે કહ્યું છે કે સમાચાર સંસ્થાઓ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. તાજેતરમાં અનેક લોકોને તાકીદની ચેતવણી અપાઈ છે, અને કેટલાકને ઉકસાવનાર કન્ટેન્ટ બદલ અટકાયત પણ કરવામાં આવી છે.