2019નું વર્ષ જાપાન માટે ઐતિહાસિક બની રહેશે. જાપાનના લોકપ્રિય સમ્રાટ અકિહીતો 30 એપ્રિલે પોતાની બાદશાહત છોડી પુત્ર નારુહિતોને ગાદી સોંપશે. જાપાન માટે આ ઘટના અભૂતપૂર્વ છે કેમ કે જાપાનની બાદશાહી પરંપરામાં છેલ્લા 200 વર્ષમાં કોઇ સમ્રાટે સામે ચાલીને ગાદી છોડી હોય તેવી આ પહેલી ઘટના છે. નવા સમ્રાટના શાસનનું એલાન 1 એપ્રિલના રોજ થશે.
આજના અત્યાધુનિક જમાનામાં પણ પરંપરાગત રાજાશાહીને વરેલા દેશ જાપાનમાં છેલ્લા 200 વર્ષમાં પહેલી વખત અભૂતપૂર્વ ઘટના બનવા જઇ રહી છે. જાપાનના લોકપ્રિય સમ્રાટ અકિહીતો તેમણે અગાઉ કરેલી જાહેરાત મુજબ સ્વૈચ્છાએ રાજગાદીનો ત્યાગ કરવા જઇ રહ્યા છે.
છેલ્લા 3 દાયકા કરતા પણ વધુ સમયથી સમ્રાટ રહેલા અકિહીતો નબળા સ્વાસ્થ્યને કારણે બાદશાહત છોડશે. 85 વર્ષીય સમ્રાટ અકિહીતોની તબિયત છેલ્લા કેટલાક વર્ષોથી નાદુરસ્ત રહેતી હોવાથી તેમણે સામે ચાલીને રાજગાદીનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે. સમ્રાટ અકિહીતોના ગાદીત્યાગથી છેલ્લા 200 વર્ષોમાં એવું પહેલી વખત બનશે કે જાપાનના સમ્રાટે સત્તા છોડી હોય. આથી જ ગત વર્ષે સમ્રાટ અકિહીતોની ગાદી છોડવાની જાહેરાતે જાપાનના તમામ પ્રજાજનોને આંચકો આપ્યો હતો.
સમ્રાટ અકિહીતોના પદ છોડ્યા બાદ તેના સૌથી મોટા પુત્ર નારુહિતો સમ્રાટનું પદ ધારણ કરશે. જાપાનના વડાપ્રધાન શિન્જો અબેએ સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે નવા સમ્રાટના શાસનની ઘોષણા 1 એપ્રિલના રોજ કરવામાં આવશે. જાપાનના લાંબા ઇતિહાસમાં પદ ત્યાગની પરંપરા 2600 વર્ષો કરતા પણ જૂની છે. પરંતુ સમ્રાટ અકિહીતોના ગાદીત્યાગની ઘટના છેલ્લી ઘટના બે સદીઓમાં પહેલી જ વાર બની છે.