KN-23 missile: યુક્રેનમાં ઉત્તર કોરિયાની મિસાઇલનો ઉપયોગ, વૈશ્વિક સુરક્ષાને પડકાર
KN-23 missile: યુક્રેનના સંરક્ષણ અધિકારીઓએ ચેતવણી આપી છે કે રશિયાએ તાજેતરમાં યુક્રેન પર મોટા પાયે હુમલામાં ઉત્તર કોરિયાની બનાવટ ધરાવતી ખતરનાક બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કર્યો છે. યુક્રેનના ગુપ્તચર વડા અને વાયુસેના એજન્સીઓએ દાવો કર્યો છે કે રશિયાએ 300 કરતાં વધુ ડ્રોન અને 7 મિસાઇલોથી કિવ અને ઓડેસા જેવા શહેરોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ઉત્તર કોરિયાની મિસાઇલોની ભૂમિકા
યુક્રેનના વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે આ હુમલામાં રશિયાએ ઉત્તર કોરિયાની ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઇલ KN-23 નો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કિવ ખાતે છૂટેલી બે મિસાઇલોને યુક્રેનિયન વાયુસેનાએ તોડી પાડી હતી. ખાસ વાત એ છે કે આ મિસાઇલો અગાઉ લક્ષ્યથી દૂર પડતી હતી, પરંતુ હવે તે ખૂબ જ ચોકસાઈ સાથે નિશાન ફટકારી રહી છે.
KN-23: શા માટે છે ચિંતા વધારનાર?
KN-23 મિસાઇલનું પ્રથમ પરીક્ષણ મે 2019માં કરવામાં આવ્યું હતું. આ મિસાઇલની રચના રશિયાની ઈસ્કંદર-એમ મિસાઇલ જેવી છે. KN-23 ની વિશિષ્ટતાઓ નીચે મુજબ છે:
- રેન્જ: 690 કિમી (હળવા વોરહેડ સાથે)
- વજન: આશરે 3415 કિલો
- લંબાઈ: 7.5 મીટર
- વોરહેડ ક્ષમતા: 500 કિલો
- માર્ગ: અર્ધ-બેલિસ્ટિક, જેના કારણે તેનો પીછો કરવો અઘરો બને છે
વિશ્લેષકો માને છે કેKN-23 ની ડિઝાઇનમાં વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ થયો હોઈ શકે છે, જે ઉત્તર કોરિયાની મિસાઇલ ક્ષમતા માટે ગંભીર મુદ્દો છે.
આંતરરાષ્ટ્રીય ચિંતા
યુક્રેનના ગુપ્તચર વડા કિરીલો બુડાનોવે જણાવ્યુ કે ઉત્તર કોરિયાની મિસાઇલો હવે સીધો લશ્કરી ખતરો છે. “અત્યારે આ મિસાઇલ એક્ઝેક્ટ ટાર્ગેટ હિટ કરી રહી છે, જે યુક્રેન માટે પણ અને સમગ્ર વિશ્વ માટે પણ ચિંતા જગાવનારી બાબત છે,” તેમ તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું.
યુક્રેન હવે પ્યોંગયાંગ અને મોસ્કો વચ્ચે વધતા લશ્કરી સહયોગને રોકવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય પ્રયાસોની હાકલ કરે છે. તેમણે વિશ્વ સમુદાયને આ મુદ્દા પર કડક પગલાં લેવાની પણ અપીલ કરી છે.