New York: બાબા સાહેબને મળ્યું વૈશ્વિક સન્માન; UNમાં ગૂંજ્યું નામ, હવે દર વર્ષે 14 એપ્રિલે ન્યુયોર્કમાં ઉજવાશે ‘આંબેડકર ડે’
New York શહેરના મેયર એરિક એડમ્સ દ્વારા 14 એપ્રિલના દિવસે ‘ડૉ. બી.આર. આંબેડકર ડે’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત ન્યુયોર્ક શહેરના આંતરરાષ્ટ્રીય મામલાઓના ઉપઆયુક્ત દિલીપ ચૌહાણ દ્વારા કરવામાં આવી, જેમાં ભારતના સામાજિક ન્યાય અને અધિકારતા રાજ્યમંત્રી ડૉ. રામદાસ અઠાવલે ઉપસ્થિત રહ્યા હતા.
આ યાદગાર અવસરે ડૉ. અઠાવલે યુનાઇટેડ નેશન્સના મુખ્યાલયમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું:
“યુએન હેડક્વાર્ટરમાં ઇતિહાસ રચાયો – જ્યારે ન્યુ યોર્ક સિટીએ ઔપચારિક રીતે ૧૪ એપ્રિલને ડૉ. આંબેડકર દિવસ તરીકે માન્યતા આપી. હું આ સન્માન માટે ન્યુ યોર્કના મેયર અને દિલીપ ચૌહાણનો હૃદયપૂર્વક આભાર માનું છું.”
ડૉ. આંબેડકરના વિચારોની વૈશ્વિક માન્યતા
દિલીપ ચૌહાણે જણાવ્યું કે, “ડૉ. આંબેડકરના મૂલ્યો માત્ર કોઈ એક દેશ સુધી સીમિત નથી. તેઓ સમગ્ર વિશ્વ માટે આશાની કિરણ સમાન છે.”
આ પ્રસંગે ફાઉન્ડેશન ફોર હ્યુમન હોળાઇઝનના અધ્યક્ષ દિલીપ મહાસ્કે અને હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલના વિઝિટિંગ પ્રોફેસર સંતોષ રાઉત એ પણ આંબેડકરના વિચારોની વૈશ્વિક પ્રસ્તુતિ ઉપર ભાર મુક્યો.
કોલંબિયા યુનિવર્સિટી ખાતે શ્રદ્ધાંજલિ
યુએન કાર્યક્રમ પહેલાં ડૉ. અઠાવલે કોલંબિયા યુનિવર્સિટીની લેહમેન લાઇબ્રેરીમાં ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે આ પ્રતિમાને “જ્ઞાનનું પ્રતિક” ગણાવી હતી.
માનવતા માટે પ્રેરણાસ્ત્રોત
અઠાવલે ઉમેર્યું:
“ડૉ. આંબેડકરનો જીવનસંઘર્ષ માત્ર ભારત માટે જ નહીં, પણ આખી માનવતા માટે પ્રેરણાદાયક છે. તેમણે જાતિવાદ, ગરીબી અને ઔપનિવેશિક શોષણ સામે લડીને માનવાધિકારના વૈશ્વિક હંદોલનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.”