North Korea: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે કિમ જોંગ ઉનનો મોટો આદેશ: શસ્ત્ર ફેક્ટરીઓમાં ઓટોમેશન વધારવું
North Korea: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેની તંગદિલી વચ્ચે, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન તરત જ સક્રિય થયા છે. તેમણે તેમના ઉચ્ચ અધિકારીઓને બોમ્બ અને દારૂગોળાના ઉત્પાદન ઝડપથી વધારવા આદેશ આપ્યો છે. આ માહિતી ઉત્તર કોરિયાના સરકારી મીડિયા એજન્સી દ્વારા પ્રકાશિત થઈ છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી કિમ જોંગ ઉન સેનાની મજબૂતી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને હાલમાં તેઓ દેશની શસ્ત્ર ફેક્ટરીઓમાં ઓટોમેશન વધુ લાવવા અને માનવ હસ્તક્ષેપ ઓછો કરવા પર ભાર મૂક્યા છે. કિમના કહેવા અનુસાર, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઝડપી અને આધુનિક શસ્ત્રો જ સુરક્ષા માટે જરૂરી છે.
કિમે કહ્યું કે, “ફેક્ટરીઓમાં મશીનો પર આધાર વધારવો જરૂરી છે જેથી વધુ શક્તિશાળી શેલ અને બોમ્બ્સ ઝડપી બનાવી શકાય.” તેમણે વિશેષ રૂપે ઓટોમેશન પ્રણાલીઓને વિકાસ માટે પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું છે, જેથી ઓછા માણસો સાથે વધુ ઉત્પાદન શક્ય બને.
રશિયા સાથે વધતી મિત્રતા અને અમેરિકાને સંકેત
કિમ જોંગ ઉનની સેનાબળ વધારવાની યોજનાઓ રશિયાથી જોડાણમાં પણ દેખાઈ રહી છે. મે મહિનામાં સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, ઉત્તર કોરિયાએ રશિયાને 20,000 થી વધુ કન્ટેનરમાં શસ્ત્રો અને સામગ્રી મોકલી છે. આ બંને દેશો વચ્ચેનો ગાઢ સબંધ એશિયાની રાજનૈતિક સ્થિતિ પર અસરકારક બની રહ્યો છે.
દક્ષિણ કોરિયા પર મૌન છતાં તીવ્ર સૈનિક તૈયારી
જ્યાં દક્ષિણ કોરિયા સાથે તે તીવ્ર નિવેદનો ટાળે છે, ત્યાં કિમ જોંગ ઉન પોતાની યુદ્ધ નીતિને વધુ કડક બનાવી રહ્યા છે. દક્ષિણ કોરિયામાં નવી સરકાર આવ્યા બાદ પણ, ઉત્તર કોરિયાની દ્રષ્ટિ હવે અમેરિક અને પશ્ચિમી દેશોની તરફ કેન્દ્રિત છે. આ નિર્ણયોથી એશિયાઈ પ્રદેશમાં સુરક્ષા સંજોગો વધુ જટિલ બનવાની સંભાવના છે.