મધ્ય પ્રદેશમાંથી એક અનોખો મામલો સામે આવ્યો છે. જેમાં એક પત્નીએ કોકરોચના ડરના કારણે છૂટાછેડા માગ્યા હતા. પતિનું કહેવુ હતું કે, લગ્નના ત્રણ વર્ષમાં તે 18 મકાન બદલી ચુક્યો છે. પણ પત્નીનો ડર ઓછો થતો નથી. પત્ની આ ડરનો ઈલાજ કરાવવા પણ માગતી નથી. આ દંપતિના લગ્ન વર્ષ 2017માં થયા હતા. પતિનું કહેવુ છે કે, પત્નીના આ ડરની જાણ તેને 2018માં પહેલી વાર ખબર પડી જ્યારે રસોડામાં કામ કરતી પત્ની અચાનક બૂમાબૂમ કરવા લાગી હતી. તેણે જણાવ્યુ હતું કે, રસોડામાં કોકરોચ છે. થોડી વાર બાદ કોકરોચ ત્યાંથી ચાલ્યો ગયો. પણ લાખ સમજાવવા છતાં પણ પત્ની ત્યાં ન ગઈ. થાકી હારીને પણ તેને આ મકાન બદલવુ પડ્યું.પતિનું કહેવુ છે કે, કોકરોચ જોતા જ પત્નિ એવી બૂમાબૂમ કરવા લાગે છે કે, તેને જોઈને પરિવારના અન્ય સભ્યો પણ ડરી જાય છે. તેને લઈને અત્યાર સુધીમાં 18 મકાન બદલ્યા છે. હવે તો પરિવારના લોકો અને મિત્રો પણ તેની મજાક ઉડાવે છે. પતિએ તો ત્યાં સુધી કહ્યુ કે, પત્નિના આ ડરના કારણે કેટલીય વખત ડોક્ટર્સને પણ દેખાડ્યું. દિલ્હીના એક મનોચિકિત્સક પાસે તેની સારવાર પણ કરાવી. પણ પત્ની દવા લેવા માટે તૈયાર થતી નથી. તેણે પત્નીની કાઉંસલિંગ પણ કરાવી. પણ કોઈ અસર દેખાતી નથી. થાકી હારીને આખરે તેણે છૂટાછેડા માટે અરજી કરી હતી. બીજી બાજૂ પત્નીનું કહેવુ છે કે, તેનો પતિ તેની સમસ્યાને સમજતો નથી. તેને સાચ્ચે જ કોકરોચથી ડર લાગે છે, પણ પતિ તેને પાગલ સાબિત કરવા મંડ્યો છે.
