આ ઘટના તાઈવાનના એક બેન્ક કર્મચારીની છે. આ વ્યક્તિ અહીં બેન્ક ક્લર્ક તરીકે કામ કરે છે. તાઈવાનની રાષ્ટ્રીય સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે, જ્યારે આ વ્યક્તિએ લગ્ન માટે રજા માંગી તો તેને માત્ર 8 દિવસની જ રજા મંજૂર કરવામાં આવી. આ વ્યક્તિના લગ્ન થયા અને થોડા દિવસોમાં જ રજા પૂરી થઈ ગઈ. કાયદા પ્રમાણે લગ્ન માટે 8 દિવસની પેઈડ લીવ આપવામાં આવે છે. પછી તેણે રજા વધારવા માટે એક નવી પદ્ધતી શોધી લીધી. આ વ્યક્તિએ તેની પત્નીને ડિવોર્સ આપી દીધા જેથી તે ફરી લગ્ન કરી શકે અને તેના માટે વધુ 8 દિવસની પેઈડ લીવ લઈ શકે. 37 દિવસની અંદર એક જ છોકરી સાથે એટલે કે પોતાની પત્ની સાથે ચાર વખત લગ્ન કર્યા અને તેને 3 વખત ડિવોર્સ આપ્યા. આ ઘટનાનો ખુલાસો પણ જબરજસ્ત રીતે થયો અને પછી સમગ્ર કેસ કોર્ટ પહોંચ્યો હતો. બેન્કે અંતે જાણવાનો પ્રયત્ન કર્યો કે, આ વ્યક્તિ શું કરવા માંગે છે. બેન્કે પહેલાં તો તેને વધારાની પેઈડ લીવ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્યારે બેન્કે રજા ના આપી ત્યારે વ્યક્તિએ તાઈપે સિટી લેબર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી અને બેન્ક પર લેબર લીવના નિયમો તોડ્યાનો આરોપ લગાવ્યો હતો. આ કાયદા પ્રમાણે કર્મચારીઓને લગ્ન સમયે 8 દિવસોની પેઈડ લીવ આપવી ફરજિયાત છે. ક્લર્કે 4 વાર લગ્ન કર્યા, તેથી તે માટે 32 દિવસોની પેઈડ લીવ મળવી જોઈતી હતી. ત્યારપછી બેન્કે પણ આ નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જણાવવામાં આવ્યું છે કે, આરોપી દ્વારા માંગવામાં આવેલી રજાઓ લેબર સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત નથી તેવો લેબર કોર્ટના કમિશનર તરફથી આવો મત રજૂ કરવામાં આવ્યો હતો.
